દેશમાં બેંકો સાથે સાયબર સહિતના વધતા જતા ફ્રોડ વચ્ચે હવે એડવાઇઝરી બોર્ડ ઓફ બેન્કીંગ એન્ડ ફાયનાન્શીયલ બોર્ડ દ્વારા તમામ બેંકોને ચોકકસ કેટેગરીની લોન પર ખાસ નજર રાખવા સૂચના
3000થી વધુ કેટેગરીની યાદી તૈયાર કરી બેંકોને સુપ્રત એકાઉન્ટન્ટ ઉપરાંત સીએ, વેલ્યુઅર અને વ્યાપારી મીડીએટરનો પણ યાદીમાં સમાવેશ : બેંકોને પણ તેમના ધિરાણનું સતત વિશ્લેષણ કરીને ફ્રોડ રોકવા ખાસ તાકીદ

ત્રણ વર્ષમાં બેંક સાથેના રૂા. 3 કરોડ કે તેથી વધુના ફ્રોડમાં ચાર ગણો વધારો નોંધાયો :વિજીલન્સ રીપોર્ટ
દેશમાં બેંકો સાથે સાયબર સહિતના વધતા જતા ફ્રોડ વચ્ચે હવે એડવાઇઝરી બોર્ડ ઓફ બેન્કીંગ એન્ડ ફાયનાન્શીયલ બોર્ડ દ્વારા તમામ બેંકોને ચોકકસ કેટેગરીની લોન પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે અને તે અંગેનું લીસ્ટ પણ તૈયાર કરાયું છે.
3000 જેટલા અલગ અલગ વર્ગ કે જેમાં ધારાશાસ્ત્રીઓ, બિલ્ડર તેમજ સોના સામે ધીરાણ મેળવવા ઇચ્છુક કેટેગરીનો સમાવેશ થાય છે. બેંકોએ તેના અનુભવ પરથીએ તારણ કાઢયું છે કે આ કેટેગરીના ધિરાણમાં બેંકો સાથે સૌથી વધુ છેતરપીંડી થાય છે. આ તમામ વર્ગની સિકયોર કેટેગરીમાં આવતી લોનમાં ફ્રોડ થવાની શકયતા વધુ રહે છે.
જોકે આ કેટેગરીમાં તમામ લોન ઇચ્છુકો તે પ્રકારની શંકા કે મોનીટરીંગ હેઠળ નથી છતાં કેસ ટુ કેસ ખાસ વોચ રાખવા જણાવાયું છે. ગત મહિને મળેલી આ બોર્ડની બેઠકમાં તમામ બેંકો માટે આ 3000 જેટલા જે એન્ટીટીની યાદી તૈયાર કરાઇ છે તેના પર ખાસ ધ્યાન આપવા જણાવાયું છે અને તે યાદી સતત અપડેટ કરાતી રહે છે અને તે પ્રકારની યાદીમાં આવતા ધિરાણમાં મંજૂરી પહેલા ચકાસણી પણ ફરજીયાત બનાવાઇ છે.
આ યાદી રીયલ ટાઇમ બેઝીઝ એટલે કે સતત અપડેટ થતી રહે તે પણ નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ધારાશાસ્ત્રી, એકાઉન્ટન્ટ, બિલ્ડર અને સોના સામે ધિરાણ મેળવનાર વર્ગનો સમાવેશ થાય છે. બેંકમાં 2022ના વર્ષમાં 9046 ફ્રોડ કેસ નોંધાયા હતા. જે 2024માં વધીને 36075 વધી ગયા છે.
આમ ફકત બે વર્ષમાં બેંકોના ફ્રોડમાં ચાર ગણા જેટલો વધારો થયો છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને ફ્રોડ કલાસીફીકેશન પર ખાસ ધ્યાન આપવા જણાવાયું છે જેના કારણે કઇ કેટેગરીમાં સૌથી વધુ ફ્રોડ સર્જાય છે તે પણ નિશ્ચિત કરી શકાય. બેંકના એક એકઝીકયુટીવના જણાવ્યા મુજબ બોર્ડની મીટીંગમાં જો બેંકોની લોનની મંજૂરીની પ્રક્રિયા દરમ્યાન આ યાદી પર ધ્યાન દેવામાં ન આવે તો બેંકોમાં ફ્રોડ કરવા માટેની શકયતા વધી જશે અને તેથી જ તમામ બેંકોને આ યાદી પર ખાસ આધાર રાખવા સૂચના આપવામાં આવી છે.
સેન્ટ્રલ વિજીલન્સ કમીશન દ્વારા પણ બેંકોને ઉપરાંત જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓને રૂા. 3 કરોડ કે તેથી વધુના ફ્રોડનું બોર્ડ સમક્ષ પ્રેઝન્ટેશન કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બોર્ડ સમયાંતરે તેને મળેલા ઇનપુટના આધારે ફ્રોડ એનાલીસીસ પણ કરશે.
બેંકોને તેના ધિરાણમાં સંભવિત ફ્રોડ શોધવા માટે પણ આંતરીક રીતે સતત ચેકીંગ રાખવા સૂચના આપવામાં આવી છે. ફ્રોડ આગળ વધે તે પૂર્વે તેને રોકી શકાય. આ ઉપરાંત આ યાદીમાં બિઝનેસ કોરસપોન્ડન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વેલ્યુરને પણ ભવિષ્યમાં સમાવેશ કરાઇ તેવી શકયતા છે.