હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 27 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ત્રણ મંત્રીઓ સહિત આઠ ધારાસભ્યોને પડતા મૂકયા
ભાજપ નેતાઓના પુત્ર - પુત્રીઓને પણ ટીકીટ આપી પરિવારવાદ સ્વીકાર્યો : આઠ મહિલાઓને પણ ટીકીટ : ટીમ ઇન્ડિયાના પૂર્વ કબડ્ડી કેપ્ટન દિપક હુડ્ડા હવે રાજકીય હુતુતુતુ રમશે પણ યોગેશ્વરદાસ, બબીતા ફોગટ અને સંદીપ સિંહને ટીકીટ ન આપી

આગામી સમયમાં યોજાનારી પ્રતિષ્ઠાના જંગ જેવી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 27 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ત્રણ મંત્રીઓ સહિત આઠ ધારાસભ્યોને પડતા મૂકયા છે. જયારે 27 નવા ચહેરાને ટીકીટ આપી છે. હાલમાં જ જનનાયક જનતા પાર્ટીનો સાથ છોડી ભાજપ સાથે જોડાયેલા પાંચ ધારાસભ્યોને કમળના નિશાન પર લડવા ભાજપે ટીકીટ આપી છે.
હરિયાણામાં હાલ ભાજપ સત્તાવિરોધી લહેરમાં સામનો કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે અને તેથી અંદાજે 40 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. મુખ્યમંત્રી નાયબસિંહ સેનીની બેઠક બદલીને હવે તેઓ કરનાલને બદલે કુરૂક્ષેત્રની લાડવા બેઠક પરથી ચૂંટણી લડશે તે નિશ્ચિત કર્યુ છે.
ખાસ કરીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનતા પૂર્વ મુખ્યમંત્રી અનિલ બીજને પક્ષે ટીકીટ આપી છે. જયારે વિધાનસભાના નાયબ અધ્યક્ષ રણવીર ગંગવા પણ ટીકીટ મેળવવામાં સફળ રહ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં આઠ મહિલાઓને ટીકીટ આપી છે. ભાજપે આશ્ચર્ય સર્જતા પૂર્વ જેલર સુનીલ સાંગવાનને ટીકીટ આપી છે અને તેઓ ત્રણ દિવસ પહેલા ભાજપમાં સામેલ થયા હતા.
ઉલ્લેખનીય એ છે કે, દુષ્કર્મ સહિતના આરોપમાં લાંબી જેલ સજા ભોગવી રહેલો ડેરા સચ્ચા સોદાના વડા રામ રહિમને જે રીતે વારંવાર પેરોલ મળે છે તે જેલના જેલર તરીકે સુનીલ સાંગવાને લાંબો સમય કામગીરી કરી છે અને રામ રહીમને પેરોલ આપવા બદલ ભાજપે તેને રીટર્ન ગીફટ આપ્યાનું માનવામાં આવે છે.
ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દિપક હુડા મહમ વિધાનસભા બેઠકની ટીકીટ આપી છે. કોંગ્રેસ સહિતને વારંવાર પરિવારવાદ પર નિશાને લેતા ભાજપે હરિયાણાના પાંચ નેતાઓના પરિવારોને ટીકીટ આપી છે.
જેમાં કુલદીપ બૈશ્ર્નવના ધારાસભ્ય પુત્ર ભવ્ય બૈશ્નવ, કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરી, કેન્દ્રીય રાજય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહની પુત્રી આરતી રાવ, વિનોદ શર્મા પત્ની શકિત રાની અને સતપાલ સાંગવાનના પુત્ર અને પૂર્વ જેલર સુનીલ સાંગવાનને પક્ષે ટીકીટ આપી છે.
રાજયસભાના સાંસદ કૃષ્ણપાલ પવારને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોકે ભાજપે પહેલવાન યોગેશ્વરદાસ અને બબીતા ફોગટને ટીકીટ આપી નથી. જયારે પૂર્વ હોકી ખેલાડી સંદીપસિંહને પણ પક્ષે નિરાશ કર્યા છે.
1. બળાત્કાર અને હત્યાના આરોપી ગુરમીત રામ રહીમને પોતાના કાર્યકાળ દરમિયાન છ વખત પેરોલ અથવા ફર્લો આપનાર પૂર્વ જેલર સુનિલ સાંગવાનને ટિકિટ મળી છે.
2. જેજેપીના ધારાસભ્યો દેવેન્દ્ર બબલી, રાજકુમાર ગૌતમ અને ભાજપમાં જોડાયેલા અનૂપ ધાનકને પણ ટિકિટ મળી છે.
3. અંબાલાના મેયર શક્તિ રાની શર્મા, જેઓ ત્રણ દિવસ પહેલા ભાજપમાં જોડાયા હતા તેમને કાલકાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
4. રતિયા બેઠક પરથી પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને ટિકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં સિરસાથી તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી.
5. ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાને મહામ સીટની ટિકિટ મળી છે.
6. 5 નેતાઓના પરિવારજનોને પણ ટિકિટ મળી છે. જેમાં કુલદીપ બિશ્નોઈના ધારાસભ્ય પુત્ર ભવ્યા બિશ્નોઈ, કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરી, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીતની પુત્રી આરતી રાવ, સતપાલ સાંગવાનના પુત્ર સુનીલ સાંગવાન અને વિનોદ શર્માની પત્ની શક્તિ રાણી શર્માને ટિકિટ આપવામાં આવી છે.