શેરબજારમા 1100 પોઇન્ટનો કડાકો , ઇન્વેસ્ટરોની સંપતિમાં પાંચ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
હેવીવેઇટથી માંડીને રોકડા સુધીના તમામ શેરોમાં વેચવાલીનો મારો: મીડકેપ ઇન્ડેક્સ 900 પોઇન્ટથી વધુ ગગડ્યો

મુંબઇ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીના દોર બાદ ઉંધુ ચક્કર ચાલુ થયું હોય તેમ આજે સતત ત્રીજા દિવસે ઘટાડો હતો. સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. ઇન્વેસ્ટરોની સંપતિમાં પાંચ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
શેરબજારમાં આજે માનસ મંદીનું હતું. અમેરિકી અર્થતંત્રના આંકડા ફરી નબળા આવતા વિશ્વબજારો નબળા પડ્યા હતા. ભારતીય માર્કેટમાં પ્રત્યાઘાત પડ્યો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીની અસર હતી. લોકલ ઇન્વેસ્ટરોની નફારૂપી વેચવાલી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા કોઇ પહેલ થાય છે કે કેમ તેના પર મીટ હતી.
સેબીના વડા માધવી પુરી બૂચ પર વધતી ભીંસ તથા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગમે તેવી અણધારી હાલત માટે તૈયાર રહેવા સૈન્યને આહવાન કર્યાના રીપોર્ટનો થોડો ગભરાટ હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં કેટલાંક વખતથી કરેકશનની આશંકા વ્યકત થતી જ હતી. આજે મંદીના માનસથી વેચવાલીનું દબાણ વધી ગયું હતું. પરિણામે કડાકો સર્જાયો હતો. કેટલાંક દિવસોથી કોઇ નવા સારા કારણો નથી. બજાજ હાઉસીંગ સહિતની શ્રેણીબધ્ધ કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે. તેમાં રોકાણ માટે નાણાં રાખવા પણ રીટેઇલઇન્વેસ્ટરો વેચવાલ થયાનું મનાતું હતું.
શેરબજારમાં આજે શરૂઆત જ નબળા ટોને થયા બાદ વેચવાલીનું દબાણ સતત વધતું રહ્યું હતું. મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન્ડ બેંક, ઇન્ફોસીસ, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્ષીસ બેંક, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો સહિતના શેરોમાં ગાબડા પડ્યા હતા.
મંદી બજારે પણ જેએસડબલ્યૂ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટસ, પ્રીમીયર એનર્જી વગેરેમાં સુધારો હતો. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 1042 પોઇન્ટ ગગડીને 81158 સાંપડ્યો હતો તે ઉંચામાં 82254 તથા નીચામાં 81075 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 308 પોઇન્ટના ગાબડાથી 24836 હતો તે ઉંચામાં 25168 તથા નીચામાં 24824 હતો.
1100 પોઇન્ટથી અધિકના કડાકાને પગલે ઇન્વેસ્ટરોની સંપતિમાં પાંચ લાખ કરોડથી આધિકનું ધોવાણ થયું હતું. મુંબઇ શેરબજારનું માર્કેટકેપ 459.89 લાખ કરોડ પર આવી ગયું હતું.
બીએસઇમાં કુલ 4002 શેરોમાં ટ્રેડીંગ હતું તેમાંથી 1307માં સુધારો હતો અને 2605માં ઘટાડો થયો હતો. 282 શેરોમાં તેજીની તથા 244માં મંદીની સર્કિટ હતી. 278 શેરો વર્ષની ઉંચાઇએ પહોંચ્યા હતાં.