જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ખોરવવા ભારે શસ્ત્રો – વિસ્ફોટકો સાથે ઘુસેલા બે આતંકી ઠાર ,
નૌશેરામાં એન્કાઉન્ટર મોદી સહિતના મહાનુભાવોના પ્રવાસ સમયે હુમલાની શકયતા હતી

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી સમયે જ આતંક ફેલાવવાના ઇરાદા સાથે સક્રિય બનેલા બે આતંકીઓને આજે ભારતીય સેનાએ ઠાર માર્યા હતા અને તેમની પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
જેથી તેમનો ઇરાદો ચૂંટણીમાં પ્રચાર સમયે કોઇ મોટો ત્રાસવાદી હુમલો કરવાનો હતો. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓ હવે જમ્મુ કાશ્મીરમાં પ્રચાર માટે જઇ રહ્યા છે તે જ સમયે આ હુમલો કરીને ચૂંટણી પ્રક્રિયા ખોરવવાના ઇરાદાને સેનાના ઘુસણખોરી દળોએ નાકામ કર્યુ છે. એક ઇનપુટના આધારે ગઇકાલે રાત્રે નૌશેરામાં આતંકી વિરૂધ્ધ અભિયાન શરૂ કરાયું હતું અને તેમાં દારૂગોળા અને શસ્ત્રો સાથે જઇ રહેલા બે આતંકીઓને આંતરવામાં આવ્યા હતા અને તેઓએ ગોળીબાર કરતા વળતા જવાબમાં બંનેને ઠાર મરાયા હતા અને આ ક્ષેત્રમાં હજુ વધુ ત્રાસવાદી હોવાના રીપોર્ટ બાદ ઓપરેશન યથાવત રખાયું છે.સેનાએ એલર્ટ જાહેર કર્યુ છે.
રાજયમાં તા.13ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે તે સમયે એક મીની યુધ્ધ છેડી શકાય તેટલો વિસ્ફોટકો અને શસ્ત્રો આ ત્રાસવાદી પાસેથી મળી આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં વધેલા હુમલા બાદ હવે આકરો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે.