સ્માર્ટ સીટીમાં અનેક રસ્તા બિસ્કીટની જેમ ભાંગી ગયા : પ્રમાણિકતાની ગેરેંટી લેવાની પણ જરૂર
સ્માર્ટ સીટીમાં અનેક રસ્તા બિસ્કીટની જેમ ભાંગી ગયા : પ્રમાણિકતાની ગેરેંટી લેવાની પણ જરૂર
રાજકોટ શહેરમાં સાતમ-આઠમના દિવસોમાં પડેલા ભારે અને ધોધમાર વરસાદે ભારે નુકસાની કરી હોય, અંતે મ્યુનિ. કોર્પોરેશનને નુકસાનીનો વિસ્તૃત રીપોર્ટ મોકલ્યો છે. તે અનુસાર મહાનગરના માર્ગોના રીપેરીંગ અને નવા રોડ બનાવવા સરકાર પાસે 77.61 કરોડની માંગણી કમિશ્નર દેવાંગ દેસાઇએ પહોંચાડી છે. તો હયાત અને નવા બંને 150 ફુટના રીંગ રોડ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હોય, આ બંને રોડ નવા બનાવવાની માંગણી પણ રજૂ કરવામાં આવી છે.
ભારે વરસાદ બાદ વોર્ડવાઇઝ કરવામાં આવેલા સર્વેમાં જુદા જુદા રસ્તાઓ પર 12 હજાર જેટલા ખાડા પડયાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે નાની મોટી રહેણાંક શેરીઓ અને આવા અન્ય ભાગોમાં રહેલા ખાડા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. લોકોની અવરજવરવાળા અને મુખ્ય રાજમાર્ગો સહિતના રસ્તાઓને જ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાજય સરકારે તમામ કોર્પોરેશન વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારોમાં આ વર્ષના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક કરી હતી. રાજકોટ મ્યુનિ. કમિશ્નરે ઇજનેરો દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે નુકસાનીનો આંકડો રજૂ કર્યો હતો. આ આંકડા અનુસાર મહાનગરમાં હયાત રહેલા કુલ 37.84 કિ.મી.ના રસ્તાને નુકસાની થઇ છે. શહેરમાં કુલ 207 કિ.મી. લંબાઇના રસ્તા રહેલા છે. તો 46 કિ.મી.ના સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યા છે. આ વખતના વરસાદમાં જુના અને અગાઉ પણ નુકસાનગ્રસ્ત બનેલા રસ્તાઓને ફરી વધુ નુકસાન થયું છે. ઉઘાડ નીકળ્યા બાદ કરવામાં આવેલા સર્વેમાં મહાનગરના આ મુખ્ય રસ્તાઓ પર 12 હજાર જેટલા ખાડા પડયાની નોંધ કરવામાં આવી છે.
કમની દ્રષ્ટિએ જોવામાં આવે તો કુલ 77.61 કરોડની નુકસાની થઇ છે. આથી આટલી રકમની માંગણી રાજય સરકાર પાસે મૂકવામાં આવી છે. હવે આગામી દિવસોમાં મુખ્યમંત્રી પૂરા રાજયની સાથે રાજકોટ મહાનગરને પણ નુકસાનીના પ્રમાણમાં યોગ્ય ગ્રાન્ટ ફાળવે તેવી ધારણા છે.હયાત 150 ફુટ રીંગ રોડ પર વરસાદથી ભારે નુકસાની થઇ છે. લગભગ તમામ બ્રીજ સાથે જોડાયેલા એપ્રોચ રોડને ભારે નુકસાન થયું છે. 10.7 કિ.મી.ના બીઆરટીએસ રોડ પર ખાડાઓ સાથે ભારે ધોવાણ થયું હોય આ માર્ગ નવો બનાવવાની જરૂરીયાત વ્યકત થઇ છે. આ ઉપરાંત નવા રીંગ રોડ પર મહાપાલિકાની હદમાં આવતા ડામર રોડ પર ભાંગીને ભૂકકો થઇ ગયા છે. આ બંને રીંગ રોડ માટે સરકાર પાસે 30 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે.
જોકે ગેરેંટીવાળા રસ્તાઓને ઓછું નુકસાન થયાનું અધિકારીઓ કહી રહ્યા છે. છતાં આવા રસ્તામાં નુકસાન થયું હોય તો પણ તે કોન્ટ્રાકટરની જવાબદારીમાં હોય છે. તો અન્ય કોઇ રસ્તા પર કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે નુકસાન થયું નથી ને તે અંગે પણ કમિશ્નરે ઇજનેરો પાસે વિગતો માંગ્યાનું જાણવા મળ્યું હતું.



