પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાથી લઈને લોકર સુધીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે.
જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. નવા નિયમો આવતા મહિનાથી લાગુ થઈ રહ્યા છે, પંજાબ નેશનલ બેન્કે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આમાં બચત ખાતાના ચાર્જ અને લોકર સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.
દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા નિયમો 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, લોકર ચાર્જ, મિનિમમ બેલેન્સ વગેરેના નિયમો બદલાયા છે.
બેન્કે પોતાના બચત ખાતાના સરેરાશ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રામીણ વિસ્તારોના ખાતામાં લઘુત્તમ માસિક અને ત્રિમાસિક બેલેન્સ 500 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોમાં 1,000 રૂપિયા અને મેટ્રો શહેરોમાં 2,000 રૂપિયા રાખવા જરૂરી છે. મિનિમમ બેલેન્સ ન રાખવા પર તમને 50 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે.
બેન્કે તેના લોકર ભાડાના શુલ્કમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે ગ્રાહકોએ ગ્રામીણ વિસ્તારોમાં નાના લોકર માટે વાર્ષિક 1,000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે લોકર ચાર્જ અર્ધ-શહેરી વિસ્તારોમાં 1,250 રૂપિયા અને મેટ્રો શહેરોમાં 2,000 રૂપિયા હશે. જ્યારે મધ્યમ કદના લોકર માટે તમારે 2,200, 2,500 અને 3,500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોટા શહેરોમાં મોટા લોકર માટે તમારે 2,500, 3000 અને 5,500 રૂપિયા ચૂકવવા પડશે. બેન્કે ડિમાન્ડ ડ્રાફ્ટના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે DD માટે તમારે 0.40 ટકા ચાર્જ ચૂકવવો પડશે જે 50 થી 15,000 રૂપિયાની વચ્ચે હોવો જોઈએ.
હવે ડુપ્લિકેટ ડિમાન્ડ ડ્રાફ્ટ જાહેર કરવા માટે તમારે 200 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા તે 150 રૂપિયા હતો. જો ઓછા બેલેન્સને કારણે ચેક પરત આવે છે તો તમારે ચેક દીઠ 300 રૂપિયાનો દંડ ભરવો પડશે. નાણાકીય વર્ષમાં કરન્ટ એકાઉન્ટ, રોકડ લોન અને OD ખાતા માટે તમારી પાસેથી 300 રૂપિયા લેવામાં આવશે. ચોથો ચેક પરત કરવાના કિસ્સામાં ગ્રાહકો પાસેથી 1,000 રૂપિયાની ફી વસૂલવામાં આવશે. જો ચેક અન્ય કોઈ કારણોસર પરત કરવામાં આવે તો 100 રૂપિયાની ફી લેવામાં આવશે. ટેકનિકલ કારણોસર કોઈ ફી લેવામાં આવશે નહીં.



