TRP અગ્નિકાંડ : સેશન્સ કોર્ટમાં આજે તમામ 15 આરોપીને હાજર રખાયા , જાડેજા બંધુ, સાગઠિયા, ખેર દ્વારા ખાનગી વકીલો રોકાયા
જે 11 આરોપીએ વકીલ ન રોક્યા હોય એડવોકેટ નક્કી કરવા સમય માંગતા કોર્ટે આગામી મુદ્દત તારીખ આપી હતી

ટીઆરપી અગ્નિકાંડમાં આજે કોર્ટમાં તારીખ હતી. જેમાં જાડેજા બંધુ, ટીપીઓ સાગઠિયા અને ફાયર ઓફિસર ખેર દ્વારા ખાનગી વકીલો રોકવામાં આવ્યા હોવાની કોર્ટમાં જાહેરાત કરી જેતે વકીલના વકીલાતનામાં રજૂ થયા હતા. 11 આરોપીએ હજુ સુધી એડવોકેટ ન રોક્યા હોય તેમણે સમય માંગતા આગામી મુદ્દત તા.24 મુકરર કરાઈ હતી.
તા.25 મેની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે.
ટીઆરપી ગેમઝોનના સંચાલકો :- (1) ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા છે.ચાર્જશીટ બાદ અગાઉ ચીફ કોર્ટમાં તમામ આરોપીને હાજર રાખી કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરાયો હતો. ડિસ્ટ્રીક કોર્ટે અધિક સેશન્સ જજની કોર્ટને આ કેસ ફાળવ્યો હતો. જ્યાં આજે મુદ્દત દરમિયાન તમામ 15 આરોપીને હાજર રખાયા હતા.
જેમાં આ કેસના આરોપી, ટીઆરપી ગેમઝોનના પાર્ટનર અને જમીનના માલિક અશોકસિંહ જાડેજા અને તેમના ભાઈ કિરીટસિંહ જાડેજા તરફે અમદાવાદના વકીલે વીપી(વકીલાત નામું) રજૂ થયું હતું. ઉપરાંત સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા તરફે પણ જામનગરના એક વકીલે વકીલાતનામું મૂક્યું છે. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર વતી પણ જામનગરના વકીલ રોકાયા છે તેમણે વીપી ફાઈલ કર્યું હતું.
બાકી રહેલા 11 આરોપી તરફે કોઈ વકીલાતનામું રજૂ ન થતા લીગલ એઇડમાંથી વકીલ રોકવા પ્રક્રિયા કરી શકાય છે તે અંગે સમજ અપાઈ હતી. જોકે આ આરોપીઓએ પોતાના વકીલ રોકવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેથી કોર્ટે આગામી મુદ્દત તા.24 સપ્ટેમ્બર નક્કી કરી છે. ત્યાં સુધીમાં તમામ આરોપીઓએ પોતાના વકીલો રોકી લેવા પડશે. આ પછી કોર્ટમાં ચાર્જફ્રેમ કરવાની કાર્યવાહી થશે.
આ કેસમાં સ્પે.પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પે.પીપી તરીકે નિતેશ કથીરિયા, વિકટીમ તરફે રાજકોટ બારના ઉપપ્રમુખ સુરેશ ફળદુ, બીજા એક વિકટીમ વતી નરેન્દ્રસિંહ આર. જાડેજા રોકાયેલા છે.