ભાજપે આપેલુ આવેદનપત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહ મંત્રાલયને મોકલ્યું : રાજ્યમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ હોવાનો રીપોર્ટ
સુપ્રિમ જામીન આપે તો પણ શું કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે કામગીરીની છૂટ મળશે? કેજરીવાલ સરકારને બરતરફ કરાશે?: ગૃહમંત્રાલયમાં હલચલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગત તા.21 માર્ચથી જેલમાં છે અને હજુ તેઓ ક્યારે મુક્ત થશે તે પણ પ્રશ્ન છે. તે સમયે દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા સહિતની પરિસ્થિતિ મુદ્દે ભાજપે હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટે એક પત્ર લખ્યો છે અને તે ગૃહમંત્રાલય સુધી પહોંચતા જ કેજરીવાલ સરકારનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું હોવાના સંકેત છે.
ગત તા.30ના રોજ દિલ્હીમાં વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ રાષ્ટ્રપતિને મળીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં દિલ્હીમાં લાંબા સમયથી મુખ્યમંત્રી વગરની સરકાર ચાલે છે અને મહત્વના નિર્ણયો ઠપ્પ થઇ ગયા છે. મુખ્ય મંત્રી રાજીનામુ આપતા નથી અને તેથી નવી નિયુક્તિ થઇ શકતી નથી જેના કારણે દિલ્હીમાં મહત્વના કાર્યોને અસર થઇ રહી છે. દિલ્હી નગર નિગમને ભંડોળ આપવાની દરખાસ્ત પણ મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પેન્ડીંગ છે અને સરકાર પણ કેગનો રીપોર્ટ વિધાનસભામાં રજૂ કરતી નથી. જેને કારણે દિલ્હીમાં હવે શાસન વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો થયો છે જેથી રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પત્ર ગૃહમંત્રાલયમાં પાઠવી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે ઇડીના કેસમાં જામીન મળ્યા છે પણ સીબીઆઇના કેસમાં તેઓ હજુ કસ્ટડીમાં છે. સુપ્રિમ કોર્ટે તેમની જામીન અરજી પર અને તેમની ધરપકડને પડકારતી રીટ અરજી પર સુનાવણી પુરી કરી છે પણ ક્યારે ચુકાદો આવશે તે નિશ્ચિત નથી ઉપરાંત સુપ્રિમ કોર્ટ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવવાના મુદ્ે કોઇ નિયંત્રણ મુકે છે કે કેમ તેના પર સૌની નજર છે.