ઓનલાઈન છેતરપીંડીના કિસ્સામાં ગુજરાતમાં દર મહિને 10,000 થી વધુ લોકો ફ્રોડનો ભોગ બની રહ્યા છે ,
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના 93066 કેસ: 208 કરોડ ‘ફ્રીઝ’ કરાયા; 80 કરોડ રિકવર
છેતરપિંડીના પાંચ કલાકમાં ફરિયાદ થાય તો રિકવરીની શકયતા વધુ , ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના 93066 કેસ: 208 કરોડ ‘ફ્રીઝ’ કરાયા; 80 કરોડ રિકવર ,
ગૂજરાત સાયબર સેલ દ્વારા નાગરીકોને ઓનલાઈન સાયબર ફ્રોડથી બચવા અનેક ચેતવણી અપાતી હોવા છતા મોટી સંખ્યામાં લોકો તેનો ભોગ બની રહ્યા છે.વર્ષ 2024 માં 10 સપ્ટેમ્બર સુધી સાયબર ગુનાઓ સંબંધીત કુલ 93,066 ફરીયાદો દાખલ કરાઈ છે. તેમાં છેતરપીંડી કરાયેલી 208.79 કરોડની રકમ ફ્રીઝ કરી સાયબર ચીટરના હાથમાં જતી અટકાવાઈ છે. જયારે 80.01 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.
ઓનલાઈન છેતરપીંડીના કિસ્સામાં તરત સાયબર ક્રાઈમને જાણ કરાય તો શકય તેટલી વધુ રકમ જતા બચાવી પણ શકાય છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અનેક કિસ્સામાં છેતરપીંડીની રકમ પરત કરી કામગીરી સતત ચાલૂ રખાતી હોય છે.
સાયબર ફ્રોડના પાંચ કલાક ગોલ્ડ અવર્સ કહેવાય છે. જો તે દરમ્યાન નાગરીક દ્વારા હેલ્પ લાઈન ઉપર સંપર્ક કરાય તો તેવા લાઈવ કિસ્સામાં સૌથી વધુ રકમની રિકવરી થતી હોય છે. આવા કિસ્સામાં ત્વરીત કાર્યવાહીથી 23.03 કરોડની રકમ જપ્ત કરીને 3.71 કરોડની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે.
સ્ટેટ સાયબર સેલના એસ.પી.ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા મુજબ ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનારા નાગરીકોને ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે. ગુજરાત પોલીસની રેપીડ એકશન સહીત હેલ્પ લાઈન નંબર 1930 ને ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સન્માન મળ્યુ છે.
સાયબર ગુનાઓથી ગુજરાતને વધુ સુરક્ષીત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા નવા પ્રોજેકટસ હાથ ધરાયા છે.જેમાં હેલ્પલાઈન નંબર 1930 ની કામગીરીમાં અપગ્રેડેશન માટે ડેડીકેટેડ વધુ 90 કોલર્સનાં સ્ટાફની ભરતી કરાશે.
જે ફરીયાદોની નોંધણી અને નાણાંકીય સંસ્થાઓ સાથે વિશેષ સંકલન કરી નાગરીકોનાં છેતરપીંડીના નાણા બચાવવા મદદરૂપ થશે. તે ઉપરાંત સાયબર ગુનાઓ માટે એક અલગથી ચેટબોટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જેથી પીડીતોને કોલ કનેકશન માટે રાહ જોવી નહિં પડે અને કોઈપણ સમયે ફરીયાદ આપી શકશે



