આગામી શુક્રવારના રોજ મળનારા મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મોટા મવા ટીપી સ્કીમનો સરકારે સુધારીને મોકલેલો ડ્રાફટ મંજૂર કરવાની દરખાસ્ત
નગર રચના યોજનામાં જાહેર સુવિધાના પ્લોટના ભોગે ટીપી તંત્રએ રસ્તા પર વધુ ધ્યાન આપ્યું : અનેક પ્રોજેકટને લાભ કરાવવાના હેતુની ચર્ચા : હવે વધુ પ્લોટ મળશે : શુક્રવારના બોર્ડમાં પરામર્શની દરખાસ્ત

આગામી શુક્રવારના રોજ મળનારા મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મોટા મવા ટીપી સ્કીમનો સરકારે સુધારીને મોકલેલો ડ્રાફટ મંજૂર કરવાની દરખાસ્ત છે. આ ટીપી સ્કીમ નં. 24માં ડ્રાફટ બનાવતી વખતે પ્રાથમિક માળખાકીય સુવિધાઓના પ્રમાણમાં રોડ-રસ્તાઓ માટે વધુ પડતી જમીન મૂકવામાં આવ્યાનું સરકારના ધ્યાન પર આવતા રસ્તાઓના કુલ ક્ષેત્રફળ પર સરકારે જ કાતર ફેરવ્યાનું જાણવા મળ્યું છે.
બેક વર્ષ પહેલાના આ ડ્રાફટમાં અમુક વિસ્તારમાં કેટલાક બિલ્ડરના લાભાર્થે વધુ રસ્તા મૂકવામાં આવ્યાની બાબત ધ્યાન પર આવતા આવો ફેરફાર કરાયાનું અંતરંગ સુત્રો જણાવી રહ્યા છે.
સ્થાનિક કક્ષાએ મહાપાલિકાએ તૈયાર કરાયેલા ડ્રાફટમાં પ્રાથમિક સુવિધાઓ માટે 79 હજાર ચો.મી.ના પ્લોટ સૂચવવામાં આવ્યા હતા. સરકારે તેમાં 8 હજાર મીટરનો વધારો કર્યો છે. એટલે કે વધુ 87 હજાર ચો.મી.માં જાહેર માળખાકીય સુવિધાના પ્લોટ ઉપલબ્ધ થશે. આ મામલે સરકારના પરામર્શ પર શુક્રવારના બોર્ડમાં નિર્ણય લેવાશે.
મહાપાલિકાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જુદા જુદા નવા વિસ્તારોમાં છેલ્લા વર્ષોમાં ટીપી સ્કીમ બની રહી છે અને સરકાર મંજૂરીઓ પણ આપે છે. પ્રાથમિક અને જાહેર હેતુની સુવિધાનો વિકાસ ટીપી યોજનાઓ પર જ આધારીત હોય છે. થોડા સમય પહેલા મોટા મવા ટીપી સ્કીમ નં. 24નો ડ્રાફ્ટ તૈયાર કરી ટીપી સ્કીમની મંજુરી માટે સરકારમાં રજૂ કરાતા સુધારા-વધારાના અંતે સરકારે મંજુરી માટે ડ્રાફ્ટ પરત મહાનગરપાલિકાને મોકલેલ છે.
જેમાં ખાસ કરીને ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે બિલ્ડરોના લાભાર્થે મુકેલા મોટા રસ્તાઓમાં કપાત કરી સરકારે માળખાકીય સુવિધા માટે વધુ જગ્યા ફાળવવાની સૂચના આપી છે. આ ટીપી સ્કીમ નં.24ની દરખાસ્ત શુક્રવારે જનરલ બોર્ડમાં મંજુર કરવામાં આવશે.
મોટા મવા ટીપી સ્કીમ નં. 24નો અભ્યાસ કર્યા બાદ આ ટીપી સ્કીમ ફાઈનલ કરતા પહેલા માળખાકીય સુવિધા વિક્સાવવા માટે 8 હજાર ચો.મી. વધુ જમીન ફાળવવામાં આવી છે. અમુક બિલ્ડરોના પ્રોજેક્ટો માટે વધુ પહોળા રોડ તેમજ વધારાના રસ્તાઓ સુચવવામાં આવ્યાની ચર્ચા વચ્ચે સરકારના ટાઉન પ્લાનીંગ વિભાગે -રસ્તાની જમીનમાં કપાત કરી માળખાકીય સુવિધાઓ માટે વધુપ્લોટ ફાળવ્યા છે. રોડ રસ્તાની ચો.મી. જમીન પૈકી 1588 ચો.મી.નો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ડ્રાફ્ટ તૈયાર થયા બાદ જમીન માલીકોના વાંધા સુચનો સાંભળ્યા બાદ ફાઈનલ ટીપી સ્કીમ તૈયાર થતી હોય છે અને ત્યાર બાદ સરકારમાં સુધારા વધારા માટે મોકલવામાં આવતી હોય છે. છતાં મોટામૌવા ટીપી સ્કીમ નં. 24માં વધુ રોડ-રસ્તા માટે જમીન ફાળવી દીધી હોવાનું બહાર આવ્યું હતું.
મોટા મવા નગર યોજના 24ને અંતિમ મંજૂરી માટે મોકલતા પહેલા પરામર્શ સુધારા માટે જનરલ બોર્ડમાં આવી છે.આ સ્કીમ ફાઈનલ થતા શહેરમાં આ વિસ્તારમાં રસ્તા અને સામાજિક આંતર માળખાકિય સુવિધા વિકસાવવા માટે 87398 ચો.મી. જમીનના પ્લોટ મળશે.
કુલ 8.48 લાખ ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતી યોજનામાંથી મનપાને79,398 ચો.મી.ના પ્લોટ માળખાકિય સુવિધા માટે મળવાના હતા તેમાં 8000 ચો.મી.ના વધારો થાય તે રીતે સુધારા આવ્યા છે. હવે મનપાને 87398 ચો.મી. જમીન મળશે.આવી જ રીતે રસ્તા માટે 1.73 લાખ ચો.મી. જમીન હતી તેમાં 1.71 લાખની ફાળવણી થતા 1588નો ઘટાડો કરાશે.
દરમ્યાન કોર્પો.ની હદમાં ભળેલા ગ્રામ પંચાયતના વિસ્તારોની અનેક ટીપી સ્કીમોને છેલ્લા પાંચ વર્ષમાં મંજુરી આપવામાં આવી છે. પરંતુ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલ ડ્રાફ્ટમાં થયેલી મનાતી ગેરરીતિના મામલે અને ટીપી સ્કીમમાં ફેરફારની શકયતા છે. આવી ઘણી ટીપી સ્કીમ સરકારમાંથી પરત આવે અને સુધારા થાય તેવી સંભાવના નકારાતી નથી.