7 કલાક સુધી ચાલેલી બેઠક નિષ્ફળ , જયાં સુધી બધી માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી કામ પર પાછા ફરવાનો ડોકટરોનો ઇન્કાર
ડોકટરોની 99 ટકા માંગ સ્વીકારાઇ છે : મમતા બેનર્જીની તબીબોને ફરજ પર પાછા ફરવા અપીલ

અહીંની આરજી કર હોસ્પિટલ અને મેડીકલ કોલેજના તાલીમાર્થી ડોકટર સાથે દુષ્કર્મ, હત્યાના મામલામાં 7 કલાક સુધી બેઠક ચાલ્યા બાદ ડોકટરોએ જાહેર કર્યુ હતું કે તેમની બધી માંગો જયાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેમની હડતાલ ચાલુ રહેશે.
મંગળવારની બેઠક બાદ જુનીયર ડોકટરોએ કહ્યું હતું કે ભલે મનોજકુમાર વર્માને કોલકાતાના નવા પોલીસ કમિશ્ર્નર બનાવ્યા હોય પણ તેઓ પોતાનું વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે જયાં સુધી તેમની બધી માંગો નહીં સ્વીકારવામાં આવે.
જાહેર કરેલ નિવેદનમાં ડોકટરોએ રાજયના સ્વાસ્થ્ય સચિવ એન.એસ.નિગમને હટાવવા માંગ પણ કરી હતી. ડોકટરોએ હોસ્પિટલ પરિસરમાં ડોકટરોની સુરક્ષા પર પણ ચર્ચાની માંગ કરી હતી સાથે સાથે કહ્યું હતું કે ચર્ચામાં એ પણ સામેલ કરવામાં આવે કે સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની સુરક્ષા ફાળવેલ 100 કરોડ રૂપિયા કેવી રીતે ખર્ચવામાં આવે.
બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે સરકારે ડોકટરોની 99 ટકા માંગણી માની લીધી છે. બાકી માંગો પર વિચાર કરવામાં આવશે. તેમણે ડોકટરોને કામ પર જવાની અપીલ કરી છે.