ગુજરાત

ગરબા આયોજકો પર હવે મોટી કાયદાકીય જવાબદારી : ફાયર, ઈલેક્ટ્રીકના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્ર તેમજ ખાણી-પીણીના સ્ટોલ રાખનારને ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે

આયોજકે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર માર્ગ અને મકાન વિભાગમાંથી મેળવ્યા બાદ સોગંદનામું આપવું પડશે: સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, સિક્યુરિટી એજન્સીના પણ કરાર ફરજિયાત કરવામાં આવ્યાં

વિશ્વભરમાં પ્રખ્યાત એવાં ગરબા નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં થોડાં સમય પહેલાં ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ આ વખતે નવરાત્રીમાં પોલીસ સતર્ક બની છે અને તમામ નિયમોમાં કડકાઈ દાખવી હવે મંજૂરી માટેના નિયમો નોટરિરાઇઝ એગ્રીમેન્ટ સાથે આપ્યા બાદ જ ગરબાની મંજૂરી આપવામાં આવશે.  અર્વાચીનની સાથે સાથે મોટા સ્ટેજ સાથે યોજાતી પ્રાચીન ગરબીના અયોજકે પણ નિયમો પાડવા પડશે.

જેથી નાના-મોટા ગરબા અયોજકોમાં દોડધામ મચી ગઈ હતી.દર વર્ષે શહેરમાં નવરાત્રીના આયોજનોમાં પોલીસ મંજૂરી આપવા માટે ખાસ કડકાઈ દાખવતી ન હતી અને ફાયર, ઈલેક્ટ્રીક, સીસીટીવી, સિક્યુરિટી સહિતની કાગળ પરની મંજૂરીથી પોલીસ મંજૂરી આપી દેતી હતી. ત્યારે નાના મવા વિસ્તારમાં આવેલ ટીઆરપી ગેમઝોન આગકાંડની દુર્ઘટના બાદ પોલીસ હવે સતર્ક બની છે.

હવે ફાયર સહિતના તમામ નિયમોનું પાલન કરાવવા માટે નોટરીરાઈઝ એગ્રીમેન્ટ આપ્યાં બાદ જ મજૂરી આપશે. જે માટે ફાયર એનઓસી ફાયર વિભાગમાંથી મેળવવું પડશે, વિદ્યુત નિરીક્ષકનું ઈલેક્ટ્રીક ફિટિંગનું પ્રમાણપત્ર, એમ્બ્યુલન્સ તબીબ સાથે રાખવાની જે માટે પ્રથમ ઇમરજન્સીનું પ્રમાણપત્ર, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર, ખાણીપીણીના સ્ટોલ રાખનારને ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર મેળવી તેનું સોગંદનામું કરવું પડશે.જે પોલીસમાં રજૂ કર્યા બાદ જ આયોજકોને મંજૂરી મળશે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગત અનુસાર, અગાઉ ખાસ અર્વાચીન ગરબાના આયોજનમાં જે મોટા સ્ટેજ ગોઠવામાં આવતાં તે બાબતની મંજૂરી આયોજકે લેવી પડતી ન હતી. પરંતુ હવે અયોજકે તે માટે માર્ગ અને મકાન વિભાગમાંથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત કરવામાં આવ્ય્ં છે.

ઉપરાંત સિક્યુરિટી માટે જે તે સિક્યુરિટી એજન્સીનો કરાર પણ પોલીસને આપવો પડશે તેમજ સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. જે કંપની કેમેરા ફિટ કરશે તેમનો પણ કરેલો કરાર પોલીસને આપવો પડશે તેમજ સાઉન્ડ સિસ્ટમ માટે જે તે પેઢીનો પણ કરાર કર્યા બાદ જ મંજૂરીની કાર્યવાહી આગળ વધશે.

પોલીસે કરેલા કડક નિયમો બાદ અયોજકોમાં પણ દોડધામ મચી ગઇ છે અને સીસીટીવી કેમેરાની પેઢી, સિક્યુરિટી કંપની, ફાયર, સ્ટ્રક્ચર, સાઉન્ડ સિસ્ટમ માટે પેઢીઓ પાસે કરાર કરાવવા પડાપડી થઈ છે.

નવરાત્રીના આયોજનમાં શહેર પોલીસ તમામ આયોજનોમાં ખડેપગે રહી ચાંપતી નજર રાખશે. જેમાં પોલીસ અલગ અલગ ટીમો બનાવી ખાસ ગરબામાં છેડતી કરનારાઓની ખો ભુલાવવા માટે એન્ટી રોમીયો સ્કવોર્ડ સતત સાદા ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે જ રહેશે. તેમજ મહિલાઓની સુરક્ષા માટે સી-ટીમ પણ ટ્રેડીશ્નલ ડ્રેસમાં ગરબામાં સતત પેટ્રોલીંગ કરશે. તેમજ ક્રાઈમ બ્રાચ, એસઓજી, પીસીબી તેમજ સ્થાનીક પોલીસ પણ સતત ગરબાના આયોજન પર વોચ રાખશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button