મહંતસ્વામી જૂનાગઢના બનશે મહેમાન, નવરાત્રિ સુધી કરશે રોકાણ 1 ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધી ,
અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા તરીકે મહંત સ્વામી બીજી વખત જૂનાગઢ આવી રહ્યા છે. અગાઉ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ સંત હતા. આવા સમયે પ્રમુખ સ્વામી સંપ્રદાયના વડા તરીકે જવાબદારી નિભાવતા હતા. આ સમય દરમિયાન જૂનાગઢમાં બની રહેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના નિર્માણ કાર્યની દેખરેખ અને પ્રગતિ માટે પણ મહંત સ્વામી જૂનાગઢ આવી ચૂક્યા હતા.

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત તથા બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં પદ પંકજે પુનિત થયેલ જૂનાગઢની ધરા પર લાંબા સમય બાદ ખાસ પધારી રહ્યા છે
તા. ૧ થી ૧૩ ઓક્ટોબર સમગ્ર નવરાત્રી પર્વ દરમિયાન તેમનાં પાવનકારી પગલાં જૂનાગઢમાં પડી રહ્યા છે ત્યારે સમગ્ર જૂનાગઢ તથા સોરઠ દેશના હરિભક્તો તેમને વધાવવા ભારે ઉત્સુક તથા આનંદિત છે.
જૂનાગઢ અક્ષરવાડી ખાતેનાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે સંતો-ભક્તો તથા છાત્રો શ્રમયજ્ઞ ઉઠાવીને સમગ્ર મંદિર પરિસરને તેમજ બી.એ.પી.એસ વિદ્યામંદિર પરિસરને સુધારા વધારા સાથે સ્વચ્છ કરી , સજાવી ધજાવીને એક નવો ઉઠાવ આપી રહ્યા છે.
તા. ૧ ઓક્ટોબર ૨૦૨૪ મંગળવારે સાંજે ૭ : ૦૦ વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં આવકાર-વધામણાં થશે. અને ત્યારબાદના દિવસોમાં તેમનાં દિવ્ય સાંનિધ્યમાં સાંજે
૫ :૦૦ થી ૮ :૦૦ દરમિયાન સ્વાગત દિન, વિદ્યામંદિર દિન, સંસ્કૃતિ દિન, અને બાળ યુવા દિન, મહિલા સંમેલન વગેરે સુંદર કાર્યક્રમો માર્કી વડે બંધાયેલા ભવ્ય સભા મંડપમાં થશે. આ દિવસો દરમિયાન રોજ સવારે બ્રાહ્મમુર્હૂતમાં ૫ : ૪૫ વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં પૂજા દર્શનનો પણ પવિત્ર લાભ પ્રાપ્ત થનાર છે. પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં દર્શનાર્થે તથા સત્સંગ લાભ લેવા સાયંસભામાં સહુ ભાવિકજનોને પધારવા મંદિરના પૂજ્ય કોઠારીશ્રી સાધુ ધર્મવિનયદાસજીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
મહંતસ્વામી જેમના અનુગામી બન્યા છે. તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર સંત અને ગાદીપતિ પ્રમુખસ્વામી મહારાજ પણ અનેક વખત જૂનાગઢ આવી ચૂક્યા છે. તેઓ જ્યારે આચાર્યપદ પર હતા. ત્યારે અનેક વખત જૂનાગઢમાં પધરામણી કરી ચૂક્યા છે. સ્વામિનારાયણ મંદિરના ધાર્મિક કાર્યક્રમમાં અને હરિભક્તો દ્વારા આયોજિત ધર્મ ઉત્સવમાં પ્રમુખસ્વામી મહારાજ આચાર્ય તરીકે જૂનાગઢ આવી ચૂક્યા હતા. ત્યારબાદ તેઓ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ બન્યા બાદ જૂનાગઢમાં 9 નિર્મિત અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના લોકાર્પણ પ્રસંગે અંતિમ વખત જૂનાગઢ પધરામણી કરી હતી. ત્યારબાદ તેઓનો દેહવિલય થયા બાદ મહંત સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ તરીકે સેવાઓ આપી રહ્યા છે.