ભારતીય મુળના અમેરિકી મતદારોને મોદીનો મુક સંદેશ! મોદી સ્વદેશ આવવા રવાના ટ્રમ્પને ન મળ્યા ,
વડાપ્રધાનની અમેરિકા યાત્રા પૂર્વે ટ્રમ્પએ મોદી સાથે મુલાકાતની જાહેરાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસના અમેરિકા પ્રવાસના અંતે ભારત પરત આવવા રવાના થઇ ગયા છે. ક્વાર્ડ શિખર પરિષદ અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના એક ખાસ પરિસંવાદને સંબોધન અને ભારતીય મુળના લોકો સાથે સ્ટેડિયમમાં યોજાયેલા એક મેળાવડા તેમજ અમેરિકી કંપનીઓના સીઇઓ સાથે બેઠક સહિતના ભરચક કાર્યક્રમ બાદ વડાપ્રધાન સ્વદેશ આવવા રવાના થયા હતા. જો કે અગાઉ મોદીના આગમન પૂર્વે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ મોદીને મળશે તેવી જે જાહેરાત કરી હતી પરંતુ મોદીએ ટ્રમ્પ સાથે મુલાકાત ટાળી છે અને તેઓએ બંને વચ્ચે કોઇ મુલાકાત માટે રસ દાખવ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં મોદી જ્યારે અમેરિકાની મુલાકાતે ગયા તે સમયે પ્રમુખ પદે રહેલા ટ્રમ્પ સાથે હાઉડી મોદી કાર્યક્રમ ટેક્સાસમાં યોજ્યો હતો અને તેમાં ભારતીય મુળના અમેરિકીઓને સંબોધન કરતાં વડાપ્રધાને ફરી એક વખત ટ્રમ્પ સરકાર તેવો નારો પણ આપ્યો હતો. પણ ટ્રમ્પ પરાજીત થયા હતા.
હવે જ્યારે ચૂંટણીમાં ફરી એક વખત ટ્રમ્પની ઉમેદવારી છે અને તેમની સામે ભારતીય મુળના ડેમોક્રેટીવ ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હારીસનો મુકાબલો છે તે સમયે મોદીએ ટ્રમ્પને મળવાનું પસંદ ન કર્યું તે પણ સૂચક છે અને સંભવત: ભારતીય મુળના અમેરિકી મતદારોને એક સંદેશ પણ છે.


