ઓનલાઇનનો ક્રેઝ ઘટ્યો: લોકલ શો રૂમ અને બજારમાંથી ખરીદી કરવા 70 ટકા લોકોનું મંતવ્ય , ભારતીય કુટુંબો રૂા.1.85 લાખ કરોડના શોપિંગ કરશે
ચાર ટકા લોકો નવા વાહનો ખરીદવા કે સોના-ચાંદીની ખરીદી માટે તૈયાર: બ્યુટી પાર્લર અને ઘરનાં રંગરોગાન માટે પણ બજેટ ફાળવી દેવાયા

દેશભરમાં નૈઋત્યના ચોમાસાની સમાપ્તી સાથે જ હવે આગામી દિવસોમાં તહેવારોની મોસમનો પ્રારંભ થઇ રહ્યો છે અને દરેક બજાર નોરતા અને દિપાવલીથી લઇ છેક નવા વર્ષની ઉજવણી સુધીના તહેવારોમાં શોપીંગનો જે ક્રેઝ સર્જાવાનો છે તેના માટે તૈયાર છે અને આગામી દિવસોમાં એક તરફ મોબાઇલ કંપનીઓથી લઇ ઓટો કંપનીઓ નવા મોડેલ લોન્ચ કરશે તો બીજી તરફ તહેવારો અને ત્યારબાદ કારતક મહિનાથી શરૂ થતાં લગ્નગાળાની સીઝન માટે પણ ભારતીય બજારો તૈયાર થઇ રહ્યા હોવાના સંકેત છે અને હાલમાં જ કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં દર બેમાંથી એક ઘર આ તહેવારોની સીઝનમાં ઓછામાં ઓછા રૂા.10 હજારનો ખર્ચ કરવા માટે તૈયાર છે.
લોકલ સર્કલના એક રીપોર્ટ મુજબ હવે ઓનલાઇન શોપીંગનો ક્રેઝ ઘટતો જાય છે અને ઓફ લાઇન એટલે કે ગામ શહેર અને મહાનગરોમાં આવેલી દુકાનો અને શો રૂમમાં ખરીદી કરવા માટે 70 ટકા લોકોએ સંકેત આપી દીધો છે. દેશના 342 શહેરો અને મહાનગરોમાં લગભગ 49 હજાર કુટુંબનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં છેક નીચેના સ્તર સુધીના નાના શહેરોને પણ આવરી લેવાયા હતા.
જે મુજબ જવાબ આપનારાઓમાં ચાર ટકા તહેવારોના સમય દરમ્યાન રૂા.1 લાખ કે તેથી વધુનું શોપીંગ કરવા તૈયાર છે. જ્યારે 18 ટકાએ રૂા.20 હજાર થી 50 હજાર સુધી તેઓ ખર્ચ કરશે તેવું જણાવ્યું હતું. 26 ટકા લોકોએ રૂા.10 હજાર થી 20 હજારનું બજેટ તહેવાર માટે રાખ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે 14 ટકાએ રૂા.5 હજાર થી 10 હજાર, 8 ટકાએ રૂા.બે હજાર સુધીનો ખર્ચ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. જો કે 26 ટકાએ પોતે હજુ સુધી કોઇ શોપીંગ કે નાણાંકીય પ્લાનીંગ કર્યા નહીં હોવાનું સ્વીકાર્યું હતું.
ભારતમાં આઠ કરોડ જેટલા શહેરી કુટુંબો છે અને તેઓનો કુલ તહેવારોનો ખર્ચ રૂા.1.85 લાખ કરોડ આ સિઝનમાં થઇ જશે. તેવું મનાય છે. જેમાં 70 ટકા લોકલ માર્કેટમાં જ હશે. ફકત 13 ટકા જ ઓનલાઇન શોપિંગમાં રસ ધરાવે છે.
આ રીપોર્ટ મુજબ 70 ટકા લોકોએ પોતાના ખર્ચમાં દિપાવલીના તહેવારોને વધુ મહત્વ આપી રહ્યા છે. અને તે સમયે ઘર સુશોભનની ચીજોથી લઇ કુટુંબ માટે કપડા અને અન્ય ખરીદી કરશે. 64 ટકા લોકો તહેવારો દરમ્યાન ખાન-પાનની ચીજો પાછળ અને ગ્રોસરી પાછળ વધુ ખર્ચ કરશે.
38 ટકા લોકો બ્યુટી પાર્લર અને ફેશન માટે ખર્ચ કરશે. 40 ટકા લોકો ઘરમાં કલર કામ કે ફર્નિચર વસાવવા માટે ખર્ચ કરશે. 22 ટકા લોકોએ નવા સ્માર્ટ ફોન કે કોઇ ઇલેકટ્રોનીક આઇટમ ખરીદવા પાછળ ખર્ચ કરવા ગણતરી રાખી છે. 18 ટકા લોકોએ ટીવી-ફ્રીઝ-ઓવન, એસી જેવી ખરીદી માટે બજેટ રાખ્યું છે. જ્યારે 4 ટકા લોકો સોનુ અને જ્વેલરી ખરીદશે. જ્યારે 4 ટકા લોકો નવા વાહન પાછળ ખર્ચ કરશે.