રાજ્યમાં પાડાને વાંકે પખાલીને ડામ જેવી પોલીસ વ્યવસ્થા : અરવલ્લીમાં પોલીસની હેવાનિયત, દારૂના 2 ક્વાર્ટર સાથે આરોપી પકડાયો તો પીવડાવ્યો પેશાબ
પોલીસે દારૂના 2 ક્વાર્ટર સાથે પકડાયેલા આરોપીને ઢોર માર મારીને પેશાબ પીવડાવ્યો હતો. અને 70 હજાર સહિત અંગત વસ્તુઓ અરવલ્લી પોલીસે લૂંટી લીધી હતી.

રાજ્યમાં પાડાને વાંકે પખાલીને ડામ જેવી પોલીસ વ્યવસ્થા સામે છાશવારે સવાલો પેદા થઇ રહ્યા છે. તેવામાં અરવલ્લીમાં ફરી પોલીસની હેવાનિયતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીમાં દારૂના 2 ક્વાર્ટર સાથે ઝડપાયેલા યુવાનને આંબલિયારા પોલીસે જંગલ વિસ્તારમાં લઇ જઇ ઢોર માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. આટલું ઓછું હોય તેમ યુવકને પોલીસે પેશાબ પીવડાવવાનો પણ પ્રયાસ કર્યાનો ખુલાસો થતાં હડકંપ મચ્યો છે.
કલમો અને કાયદાના રક્ષકો કહેવાતા પોલીસ જવાનો સમાજમાં સ્વિકાર્ય ન હોય તેવી હેવાનિયત વરદી પહેરીને આચરી રહ્યા છે. અરવલ્લી પોલીસના જવાનોએ યુવક પાસે 70 હજાર રૂપિયા લૂંટી એટલો માર માર્યો હતો કે યુવકને લોહીની બોટલ ચઢાવવાની ફરજ પડી છે. પોલીસની અસહ્ય મારથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા યુવકની હાલત ગંભીર છે. યુવક દ્વારા વિજય સિંહ, જીતુ સિંહ, દિલીપ, રાજદીપ, દિનેશ, સહિત 7 પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને લઇ યુવાને જણાવ્યુ હતું કે મને પોલીસવાળા સાદી ગાડીમાં લઇ ગયા હતા. આંબલિયારા જતા વખતે મને માથામાં ડંડો માર્યો હતો. જે બાદ ગોરખપુરા જતા વખતે ત્રણેવ પોલીસવાળાઓએ ગાડીમાં બિયરની બોટલ તોડી હતી. ત્યાર પછી મને બોરડીઓના જંગલમાં લઇ જઇને ઢોર માર માર્યો હતો. અને લોખંડના સળિયા મારીને પગના તળીયા તોડી નાખ્યા હતા. બધા થઇને કુલ 5 જણા હતા. પાણી માંગતા તે લોકોએ પેશાબ કરીને પિવડાવ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન લઇ જઇને પણ માર માર્યો હતો. ત્યા પાણી માંગ્યુ તો ક્વોટર પીવડાવ્યુ હતું. અને મારા પરિવાર પાસેથી 70 હજાર લઇને મને છોડ્યો હતો. મારી પાસેના પૈસા, ત્રણ સોનાની વિટી, મોબાલઇ અને બાઇક હજી પોલીસ પાસે જ છે.
વર્દીની આડમાં હેવાનિયતની આ ઘટના સામે આવ્યા બાદ PSIએ પોલીસ જવાનને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આંબલિયારા પોલીસની આ ક્રુરતાને લઇ એક બાજુ યુવકને કાયમી શારીરિક ખોડ રહી જાય તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. ત્યારે વર્દીની આડમાં લુખ્ખાગીરી કરતા આવા પોલીસ જવાનો પાસે સેવા સુરક્ષા અને શાંતિની લોકો કેવી રીતે અપેક્ષા રાખશે તે મોટો સવાલ છે.