જૂનાગઢમાં મહંત સ્વામીના વધામણા, નવરાત્રીમાં મહંત સ્વામીના સાંનિધ્યમાં યોજાશે આ કાર્યક્રમો ,
અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે વિવિધ ઉત્સવો અને પ્રસંગોનું આયોજન કરીને મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ધર્મ સભાનું આયોજન કરાયું છે.

અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. તેઓ નવરાત્રી દરમિયાન જૂનાગઢમાં રોકાણ કરીને ધર્મ સભામાં ભાગ લેશે. તેમના આગમન પ્રસંગે હરિભક્તો દ્વારા 91 ફૂટ લાંબા કાગળના પુષ્પોથી બનાવેલા હારથી મહંત સ્વામીનું સ્વાગત કરાયું હતું.
આગામી 13 દિવસ સુધી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ઉત્સવો અને પ્રસંગોનું આયોજન કરીને મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ધર્મ સભાનું આયોજન કરાયું છે.
જૂનાગઢમાં BAPS સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે નવરાત્રી પર્વ મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવશે. મહંતસ્વામી મુંબઈથી 12 જેટલા વરિષ્ઠ સંતો સાથે કેશોદ આવી પહોંચ્યા હતા. ત્યાંથી બપોરે 1 કલાકે જૂનાગઢ સ્થિત સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. અહીં સૌ-પ્રથમ તેમનું સ્વાગત કરીને તેમને કાચવાળી એક ખાસ પ્રવાસી કારમાં બેસાડી મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા ગુણાતીત સભાગૃહમાં પહોંચ્યા હતા.
અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી 13 દિવસ સુધી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. પહેલી વખત નવરાત્રીના તમામ દિવસો દરમિયાન મહંત સ્વામી જૂનાગઢ ખાતે BAPS સંસ્થા દ્વારા સ્થાપવામાં આવેલા મંદિરમાં રોકાણ કરીને 13 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોમાં હાજરી આપીને નવરાત્રિની ઉજવણી જૂનાગઢમાં કરશે.
સમગ્ર વિશ્વમાં BAPS સ્વામિનારાયણ મંદિરોના વડા મહંતસ્વામી મહારાજ જૂનાગઢના આંગણે પધાર્યા હતા. મહંતસ્વામી મહારાજના આગમનને લઈને BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી હતી. મહંતસ્વામી મહારાજનું સ્વાગત હરિભક્તો દ્વારા વિશેષ પ્રકારના ફૂલહારથી કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી નવરાત્રી સમયે મહંતસ્વામી મહારાજની હાજરીમાં અનેક કાર્યક્રમો યોજાશે. તે કાર્યક્રમો કયા કયા છે અને તેનો સમય શું છે તે અહીં જાણીએ.
જૂનાગઢ આવી પહોંચેલા મહંત સ્વામીનું હરિભક્તો એ ખૂબ જ અદકેરુ ધાર્મિક સન્માન કર્યું હતું. મહંત સ્વામીની આયુ 91 વર્ષને ધ્યાન રાખીને હરિભક્તો દ્વારા 91 ફૂટ લાંબા કાગળના પુષ્પનો હાર તૈયાર કરાયો હતો. જેમાં 450 જેટલા કાગળના ફૂલો રાખવામાં આવ્યા હતા. પ્રત્યેક ફૂલ પર હાર બનાવનારા હરિભક્તનું નામ અંકિત કરવામાં આવ્યું હતું. જે હાર આજે હરિભક્તોએ મહંત સ્વામીને અર્પણ કરીને તેમનું અદકેરું સ્વાગત કર્યું હતું.
મહંત સ્વામી જૂનાગઢ ખાતે 13 દિવસ રોકાઈ રહ્યા છે. તેને અનુરૂપ આ દિવસો દરમિયાન પ્રાતઃ 05: 45 કલાકથી 08:00 કલાક સુધી પૂજા અને દર્શનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વયં મહંત સ્વામી હાજર રહીને હરિભક્તોને દર્શન આપશે. 3જી ઓક્ટોબરના દિવસે સ્વાગત દિન, 4 ઓક્ટોબરના દિવસે સમીપ દર્શન, 5 ઓક્ટોબરના દિવસે વિદ્યામંદિર દિન, 6 ઓક્ટોબરના દિવસે સાંસ્કૃતિક દિન, 8 ઓક્ટોબરના દિવસે સમીપ દર્શન, 9 ઓક્ટોબરના દિવસે બાળ યુવા દિન, 10 ઓક્ટોબરના દિવસે સમીપ દર્શન અને 13 ઓક્ટોબરના શરદ પૂનમના દિવસે પ્રતીક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય અક્ષરપુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા 6 ઓક્ટોબર રવિવારે વહેલી સવારે 6 કલાકે કરવામાં આવશે. સાથે સાથે મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.