સોદાના વડા રામ રહીમને હરિયાણામાં ધારાસભા ચૂંટણીમાં તા.4ના રોજ મતદાન પૂર્વે જ 20 દિવસના પેરોલ મળતા રાજકીય વિવાદ સર્જાયો છે.
હરિયાણામાં 39થી વધુ બેઠક પર અનુયાયી ધરાવતા ધર્મવડાના પ્રભાવનો ઉપયોગ કરવાનો પ્રયાસ: કોંગ્રેસનો આક્ષેપ: હજુ 13 ઓગષ્ટે જ 21 દિવસની પેરોલ પુરી કરીને જેલમાં ગયા હતા

પંજાબ, હરિયાણા ઉપરાંત રાજસ્થાન અને ઉતરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પ્રભાવ ધરાવતા ડેરા સચ્ચા સોદાના વડા રામ રહીમને હરિયાણામાં ધારાસભા ચૂંટણીમાં તા.4ના રોજ મતદાન પૂર્વે જ 20 દિવસના પેરોલ મળતા રાજકીય વિવાદ સર્જાયો છે.
દુષ્કર્મ અને હત્યા સહિતના અપરાધમાં 20 વર્ષની જેલસજા ભોગવી રહેલા રામ રહીમને છેલ્લા અઢી વર્ષમાં આ રીતે લોકસભા કે ધારાસભા સહિતની ચૂંટણી સમયે પેરોલ મળી જાય તે ફરી એક વખત નિશ્ચિત કરવામા આવ્યુ છે.
ગઈકાલે જ રામ રહીમ જેલમુકત થયો હતો. રાજયની ભાજપ સરકારે આમ રામ રહીમને જેલમાંથી બહાર કાઢીને રાજયની 39 બેઠકો ઉપર તેમના અનુયાયીઓ પથરાયા હોવાની રામ રહીમના પ્રભાવનો ઉપયોગ કરવા તૈયારી કરી છે.
જો કે પેરોલની શરત મુજબ રામ રહીમને ઉતરપ્રદેશમાં બાગપત ખાતેના તેમના આશ્રમમાં જ રહેવાની મંજુરી છે અને તે કોઈ ચૂંટણી સંબંધી પ્રવૃતિ કરી શકશે નહીં. હજી હમણા જ રામ રહીમ તા.13 ઓગષ્ટના રોજ પેરોલ પર છૂટયો હતો અને 21 દિવસની પેરોલ પુરી કરી જેલમાં ગયાના થોડાક જ દિવસમાં ફરી એક વખત તેને પેરોલ આપવામા આવી છે.
શનિવારે જ તેણે પેરોલની અરજી કરી હતી અને કલાકોમાં જ મંજુર થઈ ગઈ હતી. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજયમાં જયારે આચારસંહિતા અમલી છે ત્યારે આ પ્રકારે પેરોલ આપવા સામે રાજય સરકારનો ખુલાસો પૂછયો હતો.
શા કારણે પેરોલ આપવામા આવી છે તેનો જવાબ આપવા જણાવ્યુ હતુ. જો કે જેલ વિભાગ ઉપરાંત રાજયના ગૃહ મંત્રાલય દ્વારા ફટાફટ તેનો જવાબ આપીને રામ રહીમ જેલમુકત થાય તે નિશ્ચિત કર્યું છે.
બીજી તરફ કોંગ્રેસ પક્ષે આ અંગે ચૂંટણી પંચને ફરીયાદ કરી હત્યા અને દુષ્કર્મના આરોપીને ચૂંટણી સમયે જ પેરોલ અને ફર્લો મળે તે અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. 2017માં રામ રહીમને ખાસ સીબીઆઈ કોર્ટે 20 વર્ષની જેલસજા કરી છે.