સોના-ચાંદીની ખરીદી માટેના પવિત્ર દિવસ એવા દશેરા પૂર્વે જ સોનાના ભાવ આજે ઉંચકાયા હતા અને ફરી 78000 ની સપાટીને આંબી ગયા
દર વર્ષની જેમ ખરીદીનો ઝગમગાટ રહેવાનો ઝવેરીઓનો સુર: એડવાન્સ બુકીંગ પણ થયાનો નિર્દેશ

સોના-ચાંદીની ખરીદી માટેના પવિત્ર દિવસ એવા દશેરા પૂર્વે જ સોનાના ભાવ આજે ઉંચકાયા હતા અને ફરી 78000 ની સપાટીને આંબી ગયા હતા.ઉંચા ભાવની ઘરાકી પર અસર થાય ચે કે કેમ તેના પર મીટ છે. ઝવેરીઓ જોકે શુકનવંતી ખરીદી નિકળવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
આવતીકાલે દશેરા સોના-ચાંદીની ખરીદી માટે શુભ-પવિત્ર ગણાય છે. સોનીબજારનાં વેપારીઓ આગોતરી તૈયારી કરીને નવી આકર્ષક ડીઝાઈન-પેટર્ન સાથેના દાગીના મુકવામાં આવ્યા જ છે. દશેરાએ શુકનવંતી ખરીદીની પરંપરા હોવાથી ઉંચા ભાવ છતા ખરીદી સારી રહેવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે દશેરા પૂર્વે જ સોનામાં દસ ગ્રામે 700 રૂપિયાનો ભાવવધારો થયો હતો.
રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવ 77900 સાંપડયો હતો. ડોલર સામે રૂપિયામાં તેજી તથા વૈશ્ર્વીક માર્કેટમાં કરંટ હોવાને કારણે ભાવ 78000 ને આંબી જવાની અટકળો છે.
ચાંદીમાં પણ વધઘટે ઝોક હતો અને ભાવ સરેરાશ 1000 રૂપિયાના ઉછાળાથી 92500 સાંપડયો હતો. સોનીબજારનાં વેપારીઓએ કહ્યું કે પવિત્ર ખરીદીની પરંપરા હોવાના કારણોસર ખરીદીની રકઝક દેખાવાનું નિશ્ર્ચિત છે કદાચ ઉંચા ભાવને કારણે લોકો ખરીદીમાં થોડો ઘણો કાપ મુકે અથવા નિશ્ર્ચિત બજેટ મુજબ ખરીદી પરંપરા જાળવે તે નિશ્ર્ચિત છે. રાજકોટમાં સોનીબજાર-પેલેસ રોડ ઉપરાંત યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મવડી સહીતનાં વિસ્તારોમાં પથરાયેલા જવેલર્સ શો-રૂમો કાલે મોડી રાત સુધી ખુલ્લા રાખવામાં આવનાર છે.
ઝવેરીઓનાં કહેવા પ્રમાણે સોનાના વર્તમાન ભાવ વધારા પાછળનુ મુખ્ય કારણ ભૌગોલીક ટેન્શન છે.ઈઝરાયેલ-લેબનોન યુદ્ધ વચ્ચે ઈરાન પણ ચંચુપાત કરતુ હોવાથી યુદ્ધની હાલત વકરવાની આશંકાથી સોના-ચાંદી છેલ્લા દિવસોમાં ઉછળ્યા છે. અન્યથા કેન્દ્ર સરકારે ગત જુલાઈ આખરમાં આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો અને ત્યારે સોનાનો ભાવ 4070 રૂપિયાથી વધુ ઘટી ગયા હતા.
તે વખતે દસ ગ્રામ સોનુ 70,000 ની નજીક પહોંચી ગયુ હતું. પરંતુ ત્યારબાદ યુદ્ધની હાલતે ફરી તેજી સર્જી દીધી હતી.કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટયો હોવાથી પણ અસર હતી. નબળા રૂપિયાને કારણે આયાત મોંઘી થતી હોવાનુ ઉલ્લેખનીય છે.
દશેરાએ કાલે ખરીદી સારી રહેવાના આશાવાદ વચ્ચે થોડી ઘણી માત્રામાં બુકીંગ પણ હોવાના નિર્દેશ છે. દશેરાએ ઘસારો વધુ રહેતો હોય ત્યારે દાગીના પસંદગીમાં પુરતો સમય મળી શકે તે માટે અનેક લોકો એડવાન્સમાં દાગીના પસંદ કરીને બુકીંગ કરાતી લેતા હોય છે.
ચાલુ નવરાત્રીમાં તિથિભેદ રહ્યો છે આજે પણ અર્ધો દિવસ આઠમ બાદ નવમ છે કાલે પણ બપોર બાદ દશેરા શરૂ થઈ રહ્યાનું એક વર્ગ માને છે. જયારે એક વર્ગનું કથન એવુ છે કે નવરાત્રીમાં ચોખા નવ દિવસ આવતા હતા એટલે તિથિભેદની કોઈ વાત રહેતી નથી. સોનીબજારમાં દશેરાનું ઘણુ મહત્વ રહેતુ હોય છે.શુકનવંતી ખરીદી રહેતી હોવાને કારણે મોડી રાત સુધી સોનીબજાર ખુલ્લી રહેતી હોય છે. પરંતુ આ વખતે તિથિની ગુંચને કારણે સોની વેપારીઓ પણ દ્વિધામાં મુકાયા છે.
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ વાતચીતમાં કહ્યું હતું કે દશેરા શનિવારે જ છે.પરંતુ રવિવારે પણ હોવાની વાતથી દ્વિધા છે સોનીબજાર રવિવારે પણ ચાલુ રાખવી કે કેમ તે વિશે સભ્યો સાથે વાતચીત કરીને સાંજ સુધીમાં નિર્ણય લેવાશે. જેમ્સ એન્ડ જવેલરી એસો.ને પણ સમાન સુર દર્શાવ્યો હતો ,
ભૌગોલીક ટેન્શન, શેરબજારમાં વિદેશી સંસ્થાઓની કરોડો રૂપિયાની વેચવાલી, નિકાસમાં ઘટાડા સામે વધતી આયાતથી કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ આવી ગયો હતો.પ્રથમ વખત 84 ને પાર થઈને નવા તળીયે ઘસી ગયો હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઈન્ટ્રા-ડે 84.09 થઈને 84.06 સાંપડયો હતો.રૂપિયાને ટકાવવા માટે રીઝર્વ બેન્કનાં ભરચકક પ્રયાસો છતાં દબાણ અટકાવી શકાયુ ન હતું. છેલ્લા પખવાડીયામાં ડોલર સામે રૂપિયો ઉંચકાઈને 83.50 ના સ્તરે પહોંચી ગયો હતો.
પરંતુ વિદાય પૂર્વનાં ટેન્શનથી ફરી દબાણ હેઠળ આવી ગયો હતો. યુદ્ધ વકરવાનાં સંજોગોમાં ક્રુડ-સોના-ચાંદી સહીતની ચીજો મોંઘી થવાની પણ અસર હતી. વિદેશી સંસ્થાઓ દરરોજ કરોડો રૂપિયાનાં શેર વેંચીને નાણા ઉસેટી જતી હોવાનો પણ પ્રત્યાઘાત હતો ઘટતા રૂપિયાને ધ્યાને રાખીને રિઝર્વ બેન્કે કોઈ મોટા વેપારથી દુર રહેવા પણ બેંકોને સુચના આપી હતી.