જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદે શપથ લેતા ઉમર અબ્દુલ્લા : ડેપ્યુટી સીએમ તરીકે સુરિન્દર ચૌધરી
મુખ્યમંત્રી સહિત 6 સભ્યોનું મંત્રી મંડળ : કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ સરકાર અસ્તિત્વમાં આવી : રાહુલ, પ્રિયંકા, ખડગે, અખિલેશ સહિતના નેતાઓ હાજર

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષના લાંબાગાળા બાદ ફરી એક વખત ચૂંટાયેલી સરકારે સત્તા સંભાળી છે. હાલમાં જ અહીં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં બહુમતિ મેળવનાર નેશનલ કોન્ફરન્સના મુખ્યમંત્રી તરીકે ઉમર અબ્દુલ્લાએ શપથ લીધા હતા.
જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજસિંહાએ મુખ્યમંત્રી તરીકે ઉમર અબ્દુલ્લાએ શપથ લેવડાવ્યા હતા અને બાદમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જમ્મુ વિસ્તારના સુરીન્દર ચૌધરીને શપથ લેવડાવ્યા હતા. તેઓ નૌશેરામાંથી ભાજપના ધરખમ નેતા રવિન્દ્ર રૈનાને હરાવીને ચૂંટાયા છે તો અબ્દુલ્લા મંત્રી મંડળમાં કુલ 6 સભ્યોએ શપથ લીધા છે.
જો કે રાજ્યમાં ચૂંટણી સમયે ગઠબંધ્ધના સાથીદાર કોંગ્રેસના કોઇ ધારાસભ્યને મંત્રી મંડળમાં સમાવેશ થયો નથી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયા બાદ સરકારની રચનાની કામગીરી પૂર્ણ થઇ છે. કોંગ્રેસે દાવો કર્યો કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજો મળી નહીં જાય ત્યાં સુધી અમે સરકારમાં જોડાશું નહીં.
આજે શપથવિધિમાં કોંગ્રેસના વરિષ્ઠનેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા, સમાજવાદીના વડા અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના સંજયસિંહ, પૂર્વ મુખ્યમંત્રી પીડીપીના વડા મહેબુબા મુફતી ઉપરાંત સામ્યવાદી પક્ષના નેતા ડી. રાજા પણ સામેલ થયા હતા.