બંગાળની ખાડીનું વાવાઝોડુ ‘દાના’ આજે મોડીરાત્રે ઓડીશામાં ત્રાટકવાની શકયતા વચ્ચે ચાર રાજયોમાં તેની અસર થવાની સંભાવના છે
આગામી 30 સુધી વાતાવરણ સ્વચ્છ-સુકુ જ બની રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

બંગાળની ખાડીનું વાવાઝોડુ ‘દાના’ આજે મોડીરાત્રે ઓડીશામાં ત્રાટકવાની શકયતા વચ્ચે ચાર રાજયોમાં તેની અસર થવાની સંભાવના છે. જો કે, ગુજરાતમાં આગામી 30 સુધી વાતાવરણ સ્વચ્છ-સુકુ જ બની રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ઉતર-પશ્ર્ચિમ તથા તેને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં સર્જાયેલુ ‘દાના’ વાવાઝોડુ 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ઉતર-ઉતર પશ્ચિમ તરફ ગતિ છે. સવારે 11.30ની સ્થિતિએ 19.2 ડીગ્રી નોર્થ તથા 87.9 ઈસ્ટમાં પરાદીપથી 190 કી.મી. દક્ષિણ પુર્વ પર કેન્દ્રીત હતું. 100થી110 કીમીની ઝડપે પવન ફુંકાય છે.
ઝાટકાના પવનની ગતિ 100 કી.મી.ની છે. રાત્રે કે સવાર સુધીમાં ઉતર ઓડિશાના દરિયાકિનારે ત્રાટકશે અને સમાન ગતિના પવન ફુંકાશે. ત્યારબાદ પવનની ઝડપ ઘટશે અને વાવાઝોડુ પણ ઉતરોતર નબળુ પડવા લાગશે.વાવાઝોડાના પ્રભાવથી પશ્ચિમ બંગાળ, ઓડીશા, છતીસગઢ તથા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે અને ત્યારપછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અસર કરશે જયાં હળવો-મધ્યમ વરસાદની સંભાવના છે.
તા.24થી30 ઓકટોબરની આગાહીમાં તેઓએ કહ્યું કે રાજયમાં બે દિવસથી કમોસમી વરસાદ અટકયો છે. માવઠાની ગતિવિધિ થંભી છે. હજુ 30 ઓકટોબર સુધી વાતાવરણ સ્વચ્છ-સુકુ જ રહેશે.