જીએસટી વિભાગના 700 અધિકારીઓના કાફલાની સૌથી મોટી રેડ 78 જવેલર્સો પર કમાન્ડો સ્ટાઇલ ઓપરેશન
કેરળમાંથી 108 કિલો બિનહિસાબી સોનુ મળ્યું ,

કેરળમાં જીએસટી વિભાગની ગુપ્તચર શાખાએ થ્રીસુર જિલ્લામાં અને તેની આસપાસનાં 78 ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને હોલસેલ ડીલરો પર રાતોરાત દરોડા પાડીને 108 કિલો બિનહિસાબી સોનું જપ્ત કર્યું છે.
બુધવારે સાંજે 4:30 વાગ્યાથી ગુરૂવારે સવારે 11 વાગ્યા સુધી દરોડા ચાલ્યાં હતાં આ દરોડાનું કોડનેમ ’ ટોરે ડેલ ઓરો ’રાખવામાં આવ્યું હતું. દરોડા ગોપનીય રાખવા માટે 700થી વધુ અધિકારીઓને પ્રવાસની આડમાં રાજ્યનાં વિવિધ ભાગોમાંથી થ્રિસુર લાવવામાં આવ્યાં હતાં.
જીએસટી સ્પેશિયલ કમિશનર રેન અબ્રાહમે જણાવ્યું હતું કે દરોડામાં મોટાં, મધ્યમ અને નાનાં પાયાનાં એકમોને આવરી લેવામાં આવ્યાં હતાં અને આમાંથી એક ફર્મના માલિકે રૂ.1200 કરોડનાં વેચાણનાં ટર્નઓવરને દબાવી દેવાની કબૂલાત કરી હતી. જીએસટી વિભાગ છેલ્લાં પાંચ વર્ષનાં કંપનીઓનાં સોનાનાં બિનહિસાબી સ્ટોક અને વેચાણની તપાસ કરી રહ્યું છે.
અબ્રાહમે જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓનું બિનહિસાબી ટર્નઓવર રૂ. 10 કરોડથી ઓછું હતું, જ્યારે તેમાંથી કેટલીક કંપનીઓમાં કોઈ નોંધપાત્ર ચોરી મળી ન હતી. પાંચ વર્ષનાં રેકોર્ડની વિગતવાર તપાસ કર્યા પછી જ ચોરીનું ચોક્કસ પ્રમાણ જાણી શકાશે અને આમાં અઠવાડિયા કે મહિનાઓ પણ લાગી શકે છે.
તેમણે જણાવ્યું કે જપ્ત કરાયેલું સોનું હવે તિજોરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે, અને કંપનીઓ જીએસટી અને દંડની રકમનાં નિર્દિષ્ટ દરો ભર્યા પછી તેને મેળવવા દાવો કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીઓએ 3 ટકા જીએસટી ઉપરાંત 3 ટકા પેનલ્ટી અને વ્યાજ ચૂકવવું પડશે.
ટેક્સના દરો બજાર કિંમત અનુસાર નક્કી કરવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ પહેલાથી જ કેટલાક એકમો પાસેથી 5.5 કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા છે અને ત્યાંથી જપ્ત કરાયેલું સોનું છોડી દીધું છે.
જીએસટીના ડેપ્યુટી કમિશનર દિનેશ કુમારે જણાવ્યું હતું કે દરોડા છ થી સાત મહિનાનાં ગુપ્તચર સંગ્રહ અને આયોજન પ્રમાણે કરવામાં આવ્યાં હતાં. ઓપરેશનની વિગતો માત્ર પાંચ થી છ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે શેર કરવામાં આવી હતી.
કુમારે જણાવ્યું હતું કે દરોડા પાડવામાં આવેલી કંપનીઓનાં કેટલાક કર્મચારીઓએ સોનું લઈને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. અમારા અધિકારીઓએ પીછો કર્યો અને તેમને પકડી લીધાં હતાં. ભાગી જવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ પાસેથી અમે લગભગ 6.5 કિલો સોનું જપ્ત કર્યું હતું.