રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતો ન મળવાથી લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
રાજકોટ ફેર પ્રાઇઝ એસોસિએશનના હોદ્દેદારોએ પુરવઠા વિભાગના અધિકારીઓને મળીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતો ન મળવાથી લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ ફેર પ્રાઇઝ એસોસિએશનના જણાવ્યા મુજબ, ઘઉં અને ચોખાનો જથ્થો હજુ સુધી દુકાનોમાં પહોંચ્યો નથી. દાળ અને ચણાનો પણ માત્ર 50% જથ્થો જ મળ્યો છે.
ગત મહિને પણ અનાજનો પૂરતો જથ્થો ન મળતાં આ મહિને પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ છે. દુકાનદારોએ પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અનાજનો જથ્થો ન મળવાને કારણે દુકાનદારો અને લાભાર્થીઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થઈ રહ્યું છે.
રાજકોટ ફેર પ્રાઇઝ એસોસિએશનના હોદ્દેદારોએ પુરવઠા વિભાગના અધિકારીઓને મળીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે. લાભાર્થીઓને સમયસર અનાજ મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
સસ્તા અનાજ ના દુકાનદારોનું નિવેદન આપ્યું હતું. જથ્થો ન આવતા લોકો સાથે વારંવાર ઘર્ષણ થાય છે. ખરેખર જથ્થો નથી કે સંકલનનો અભાવ સરકારનું પુરવઠા વિભાગ તપાસ કરાવે. રાજકોટ ફેર પ્રાઇસ એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા વિભાગના અધિકારીને અનાજના જથ્થા બાબતે રજૂઆત કરવા માટે પણ ગયા હતા.
નોંધનીય છે કે, ભારત સરકારે 1 નવેમ્બરથી રેશન કાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર કરી દીધો છે. નવો નિયમ ચોખા અને ઘઉં માટે લાગુ થયો છે. પહેલાં જ્યાં રેશન કાર્ડ પર અલગ-અલગ માત્રામાં રેશન મળતું હતું. પહેલાં 3 કિલો ચોખા મળતા હતા અને 2 કિલો ઘઉં મળતા હતા. પરંતુ હવે સરકારે આ નિયમમાં ફેરફાર કરીને ચોખા અને ઘઉંની માત્રા સરખી કરી દીધી છે.
એટલે કે હવે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ પર બે કિલોની જગ્યાએ અઢી કિલો ઘઉં અને 3 કિલોની જગ્યાએ અઢી કિલો ચોખા આપવામાં આવશે. સરકારે અંત્યોદય કાર્ડ પર મળતા 35 કિલો અનાજમાં પણ ફેરફાર કરી દીધો છે. પહેલાં જ્યાં અંત્યોદય કાર્ડમાં 14 કિલો ઘઉં અને 30 કિલો ચોખા આપવામાં આવતા હતા ત્યાં હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. આ નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ થઈ ચૂક્યો છે.