રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ગુરુવારે કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં યુક્રેન પર સમાધાન કરવા તૈયાર
તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સહિત કોઈપણ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.

ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને ઝડપથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ કર્યું નથી કે તે સંઘર્ષ કેવી રીતે સમાપ્ત કરશે. પુતિનનું આ મહત્વપૂર્ણ નિવેદન યુક્રેન યુદ્ધના લગભગ 34 મહિના પછી તેમના વાર્ષિક પ્રશ્ન-જવાબ કાર્યક્રમ દરમિયાન આવ્યું છે, જેમાં તેઓ સરકારી ટેલિવિઝન પર મીડિયા અને સામાન્ય લોકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
પુતિને એ વાતનો ઇનકાર કર્યો હતો કે રશિયા હાલમાં નબળી સ્થિતિમાં છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા પુતિને કહ્યું કે તેઓ ટ્રમ્પને મળવા માટે તૈયાર છે. જો કે તેણે એમ પણ કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી.
આ દરમિયાન પુતિને કહ્યું, ‘અમે હંમેશા કહ્યું છે કે અમે વાતચીત અને સમાધાન માટે તૈયાર છીએ. 2022માં જ્યારે યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે રશિયા હાલમાં તેના કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. રશિયન દળો યુક્રેનમાં તેમના પ્રાથમિક ઉદ્દેશ્યો હાંસલ કરવા આગળ વધી રહ્યા હોવા છતાં, તેઓ વાતચીત અને સમાધાન માટે તૈયાર છે. પુતિને સ્વીકાર્યું કે યુક્રેનમાં લડાઈ જટિલ છે ,
પુતિને વધુમાં કહ્યું, “મને લાગે છે કે ટૂંક સમયમાં યુક્રેનિયન નાગરિકો જે લડવા માંગે છે તે ભાગી જશે. લડવા માંગતો કોઈ બચશે નહીં. અમે તૈયાર છીએ, પરંતુ બીજી બાજુએ પણ વાતચીત અને સમાધાન બંને માટે તૈયાર રહેવું જોઈએ તે જરૂર છે.”
પુતિને થોડા સમય પહેલા પણ કહ્યું હતું કે રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે મંત્રણા માટે તૈયાર છે, પરંતુ તેમણે તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો કે યુક્રેન ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં જોડાવાની ઈચ્છા છોડી દે. જોકે યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ માંગણીઓ ફગાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (20 જાન્યુઆરી, 2025ના રોજ શપથ લેશે)એ યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી. પોતાના અંગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં સીરિયાની તાજેતરની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે અસદ સત્તા ગુમાવી ચૂક્યા છે, ઘણા લોકોના મોત થયા છે, યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ થવો જોઈએ. રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેનમાં પોતાનું વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું અને ત્યારથી બંને દેશો યુદ્ધમાં વ્યસ્ત છે.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘અસદ ચાલ્યો ગયો, તે પોતાના દેશથી ભાગી ગયો. તેના આશ્રયદાતા, વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળના રશિયાને હવે તેને બચાવવામાં રસ નહોતો. સીરિયાના ગૃહ યુદ્ધમાં રશિયાની દખલગીરીનું કોઈ કારણ નહોતું. યુક્રેનને કારણે, તેણે સીરિયામાં રસ ગુમાવ્યો, જ્યાં લગભગ 600,000 રશિયન સૈનિકો ઘાયલ અથવા મૃત્યુ પામેલા છે. યુક્રેન યુદ્ધ ક્યારેય શરૂ થવું જોઈતું ન હતું. અને હવે તે કાયમ માટે ચાલુ રહી શકે છે.