પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોકયુમેન્ટ રજુ કરી ડેન્ટલ ટેકનીશ્યન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે
હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ ૭ અરજીઓમાંથી ડેન્ટલ ટેકનીશ્યન માટે એક માત્ર દેવ કંદર્પ વૈદ્યની અરજી આવતા તેને નિમણુક અપાઈ હતી ,

પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં R.M.O તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ મોઢા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ૨૦૨૪ ની શરુઆતમાં ભાવસિંહજી હોસ્પીટલ ના ડી.ઈ.આઈ.સી. (ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર) વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી તા.૧૪/૨ ના ૧૧ માસના કરાર અધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ ૭ અરજીઓમાંથી ડેન્ટલ ટેકનીશ્યન માટે એક માત્ર દેવ કંદર્પ વૈદ્યની અરજી આવતા તેને નિમણુક અપાઈ હતી આ પછી તા.૨૪/૭ ના રોજ આર ટી આઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા એ ડેન્ટલ ટેકનીશીયન દેવના ડોક્યુમેન્ટ બનાવટી અને ખોટા હોવા અંગેની ફરીયાદ કરી હતી.
તા.૧૩/૮ ના રોજ આર ડી ડી રાજકોટ ડો. ચેતન કે.મહેતા એ સિવિલ હોસ્પિટલ ની રૂબરૂ મુલાકાત લઇ દેવે રજુ કરેલ દસ્તાવેજો. જેમાં દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પીટલ લોયરા-ઉદયપુર નું તા.૨૯/૦૯/૨૦૨૩ રોજનું તા.૦૧/૦૮/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી કોલેજના ડો.વીવેક શર્મા વાઈસ પ્રિન્સીપાલની સહી તથા કોલેજના સીકકા સાથેનું ડેન્ટલ ટેકનીશીયનનો કોર્ષનું સર્ટીફીકેટ અંગે તપાસણી કરાવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનીશીયનનો કોઇ કોર્ષ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું.
CDMO દ્વારા તા.૧૮/૮ ના રોજ દેવને તેણે રજુ કરેલ દસ્તાવેજો ખોટા હોવા અંગેનો ખુલાસો માંગવામાં આવતા તેણે બોનોફોઈડ સર્ટીફીકેટ તથા ફી સ્ટ્રકચર પણ બનાવટી અને ખોટા રજુ કર્યા હતા આથી તા.૨૯/૮ થી દેવ નો પગાર બંધ કરી તા.૦૬/૦૯થી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી પરંતુ તેના ખાતા માં જુન અને જુલાઈ માસ નો મળી કુલ રૂા.૨૮,૪૬૭ પગાર જમા થયો હતો આથી પ્રથમથી જ ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી અને ખોટા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી, રજુ કરેલ અસલ દસ્તાવેજો તેની પાસે રાખી લઈ, સરકાર સાથે છેતરપીંડી કરવા અંગે દેવ તથા તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી કરવા ફરિયાદ માં જણાવ્યું છે જેના પગલે ચકચાર મચી છે.