જંત્રી વાંધા સૂચનો – નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારો માટે અલગ-અલગ ત્રણ કમીટી: અધ્યક્ષ પદે કલેક્ટર જંત્રી વાંધા સૂચનો-વિસંગતતાની ચકાસણી લોકલ સ્તરે થશે: સમિતિની રચના
અગાઉની કમીટીના બદલે નવી જીલ્લા જંત્રી સુધારણા સમિતિ હસ્તક કાર્યવાહી: વાંધા અરજીની મુદત પૂર્ણ થયા બાદ 15 દિ’માં ચકાસણી કરી અભિપ્રાય ગાંધીનગર મોકલવો પડશે: સરકારનો પરિપત્ર

ગુજરાતમાં નવા જંત્રી દરો લાગૂ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જાહેર કરાયેલ સૂચિત મુસદ્દા સામે રાજ્યભરમાં ભારે ઉહાપોહ સર્જાતા વાંધા સૂચનો રજુ કરવાની મુદતમાં એક મહિનાનો વધારો કરી દેવાયો છે. 20મી જાન્યુઆરીએ આ મુદત પૂર્ણ થાય તે પૂર્વે સરકાર દ્વારા તમામ શહેર-જીલ્લાથી માંડીને ગ્રામ્ય કક્ષા સુધીની ‘જંત્રી સુધારણા સમિતિ’ની રચના જાહેર કરવામાં આવી છે. વાંધા સુચનોનો અભ્યાસ સર્વે કરીને 15 દિવસમાં અભિપ્રાય રીપોર્ટ આપવાની સુચના જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગના નાયબ સચિવ પ્રેરક જે. પટેલની સહીથી જારી કરાયેલા પરિપત્રમાં એમ કહ્યું છે કે નવા સૂચિત જંત્રીદર-2024 તથા માર્ગદર્શિકા 2024 હેઠળ વાંધા સૂચનો બાબતો અભિપ્રાય આપવા તથા નવી જંત્રી અમલમાં આવ્યા બાદ વિસંગતતા ધ્યાને આવે તો તેની ચકાસણી કરવા માટે અગાઉની કમીટીને બદલે નવી જિલ્લા જંત્રી સુધારણા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિ જંત્રી સામેના વાંધા સૂચનો ચકાસીને તેના અભિપ્રાય આપશે.
સરકાર દ્વારા ત્રિસ્તરીય જંત્રી સુધારણા સમિતિની રચના કરવામાં આવી છે. મહાપાલિકા તથા શહેરી વિકાસ સત્તા મંડળોની સમિતિમાં અધ્યક્ષ સહિત સાત સભ્યોઓ નગરપાલિકા તથા વિકાસ વિસ્તાર સત્તા મંડળ માટેની સમિતિમાં અધ્યક્ષ તરીકે 6 સભ્યો જ્યારે ગ્રામ્ય વિસ્તારની સમિતિનાં અધ્યક્ષ સહિત પાંચ સભ્યો રહેશે. ત્રણેય સમિતિના અધ્યક્ષ તરીકે સંબંધિત જિલ્લાના કલેક્ટર જ રહેશે.
પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે મુસદારૂપ જંત્રી 2024 તથા માર્ગદર્શિકા-2024 અંતર્ગત ઓનલાઇન-ઓફ લાઇન મળેલા વાંધાસૂચનો કે રજુઆતો બાબતે તથા કોઇ ગામ કે વિસ્તાર આવરી લેવાનું રહી ગયું હોય તો તે બાબત ઉપરાંત નકશા મુજબ કોઇ સર્વે નંબર/અંતિમ ખંડ નંબર/ સીસી સર્વે નંબર રહી ગયો હોય કે જે-તે વિસ્તાર ગ્રામ્ય કે શહેરી પ્રકારમાં યોગ્ય રીતે સમાવિષ્ટ ન થયા હોય તો તે બાબતે જીલ્લા જંત્રી સુધારણા સમિતિએ જીલ્લાકક્ષાએ સમીક્ષા કરીને તેની અગત્યતા ચકાસી અભિપ્રાય આપવાનો રહેશે.
વાંધા સૂચનો સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ અન્ય બાબતોએ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર તરફથી થતી દરખાસ્ત વિશે સમિતિએ 15 દિવસમાં લેખિત અભિપ્રાય ગાંધીનગર સ્ટેમ્પ ડ્યુટી સુપ્રિટેન્ડેન્ટને મોકલી દેવાનો રહેશે.
આ સિવાય જંત્રી અમલમાં આવ્યા પછી પણ વિસંગતતા કે ટાઇપીંગ ભૂલો ગણતરી-ડેટા એન્ટ્રી – મુદ્રણ કે ક્લેરીક્લ ભૂલ માલૂમ પડે અથવા કોઇ માહિતી કે કોઇ વિસ્તારનો જંત્રી ભાવ રહી ગયો હોય તો સ્ટેમ્પ ડ્યુટી પાસેથી રેકર્ડ ચકાસી ફીલ્ડ સર્વે કરાવીને અભિપ્રાય મેળવ્યા બાદ 15 દિવસમાં ગાંધીનગર સ્ટેમ્પ ડ્યુટી સુપ્રિટેન્ડેન્ટને લેખિત રીપોર્ટ આપવાનો રહેશે.
કલેક્ટર અધ્યક્ષ
જીલ્લા વિકાસ અધિકારી સભ્ય
જીલ્લા નગર નિયોજક સભ્ય
લેન્ડ રેકર્ડ સુપ્રિટેન્ડેન્ટ સભ્ય
નગરપાલિકા અધિકારી-પ્રતિનિધિ સભ્ય
સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર સભ્ય સચિવ
સૂચિત જંત્રી દર વધારા સામેના વાંધા સૂચનો રજુ કરવા માટે રાજ્ય સરકારે મુદતમાં એક માસનો વધારો કરી દીધો છે. 20 જાન્યુઆરીની મુદત રાખી છે. બિલ્ડરોએ ત્રણ માસનો મુદત વધારો માંગ્યો હતો. બિલ્ડર લોબીની ગણતરી એવી છે કે સરકાર હજુ મુદત વધારી દેશે પરંતુ રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે સરકાર હવે વધુ એક મુદત આપવાના મૂડમાં નથી. જંત્રી સુધારા સમિતિની રચના સુચક છે. નવી જંત્રી વ્હેલીતકે લાગુ કરવાનો સરકારનો ટારગેટ છે અને એટલે જ વાંધા સૂચનોનો નિકાલ પણ 15 દિવસમાં થઇ જાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી છે