સૌરાષ્ટ્રની 25 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ ; જુનાગઢમાં સૌથી મોટી તોડફોડ : અમરેલીથી કચ્છ, મોરબી જિલ્લા સુધી રાજકીય દાવપેચ ખેલાયા ,
બાંટવા, જાફરાબાદ, ભચાઉ, હાલોલ પાલિકામાં ભાજપને ચૂંટણી પહેલા જ સત્તા : રાજયમાં કુલ 215 બેઠક બિનહરીફ સૌરાષ્ટ્રની 25 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : 1728 ઉમેદવારો મેદાનમાં

સૌરાષ્ટ્રની 25 નગરપાલિકાની તા.16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. કુલ 704 બેઠક પૈકી ઘણી બેઠકો બિનહરીફ થઇ છે. તો 92 જેટલા ફોર્મ પરત ખેંચાતા 684 બેઠક માટે 1728 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જુનાગઢ મનપામાં ભાજપ મોટુ ઓપરેશન કર્યુ છે.
રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ મહાપાલિકા અને જિલ્લાની 6 મહાપાલિકા મોરબી જિલ્લામાં પણ ફોર્મ રદ્દ થયા છે અને પરત ખેંચાયા છે. જેમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છેે.
ભાજપે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેવ્યો છે જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતા ભચાઉમાં 28માંથી 22 બેઠકો, હાલોલમાં 36માંથી 19 બેઠકો, જાફરાબાદમાં 28માંથી 16 બેઠકો તેમજ બાંટવામાં 24માંથી 15 બેઠકો પર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.
નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી છે તે મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા.
અમરેલી જિલ્લો
જાફરાબાદ નગરપાલિકામાં ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં દ્વારા નગરપાલિકામાં 16 ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ વરણી થઈ છે. બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઢોલ-નગારા સાથે ચૂંટાયેલા સદસ્યોના મોં મીઠા કર્યા હતા અને ખુશીનો માહોલ છવાયો હતો. ગઈ ટર્મમાં પૂરી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ કરાઈ હતી.
લાઠીમાં આમ આદમી પાર્ટીના બે મહિલા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લીધી. લાઠીના વોર્ડ નં 1 રૂબીનાબેન રાઠોડ અને 3ના બિલ્કિસબેન ખોખર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢ
જૂનાગઢમાં મનપામાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપનાં સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા છે. મતદાન પહેલા જ બે વોર્ડના ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નહી. દિલીપ ગલે બક્ષીપંચ બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યું હતું, તેણે પણ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધુ છે.
ફોર્મ ચકાસણી માટેની પ્રક્રિયા પુરી થતા કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તે તમામ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ માન્ય થઈ ગયા બાદ પરત ખેંચી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
કચ્છ-ભચાઉ
ભચાઉ નગરપાલિકામાં 28 બેઠક પર ચૂંટણી યોજાવાની હતી. 28માંથી કોંગ્રેસના 22 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપના 22 ઉમેદવારો બિનહરીફ થયા છે. 28 બેઠકમાંથી 22 ઉમેદવારો બિનહરીફ થતા હવે 6 બેઠક પર જ ચૂંટણી યોજાશે.
કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ખેંચાતા કોંગ્રેસે ચૂંટણી લડયા પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા નગરપાલિકા જીતી લીધી છે.