ભાજપને 39 થી 49 બેઠકો મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 21 થી 31 બેઠકો મળવાની ધારણા છે.
દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે ,

ભારતની રાજધાની દિલ્હીમાં નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં હોય તેવા એક્ઝિટ પૉલના આંકડા સામે આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પુરુ થઇ ચૂક્યુ છે. આજે બુધવાર (૫ ફેબ્રુઆરી) ના રોજ મતદારોએ પુરજોશમાં મતદાન કરીને 57 ટકાથી મતદાન કર્યુ છે. હવે ધીમે ધીમે એક્ઝિટ પૉલના આંકડા આવવાની શરૂ થઇ ગયા છે, જેમાં સૌથી પહેલા સટ્ટા બજારમાંથી આંકડા સામે આવ્યા છે. આ પછી આવેલા મોટાભાગના એક્ઝિટ પૉલમાં બીજેપીને બમ્પર જીત મળતી દેખાઇ રહી છે. એટલે કહી શકાય કે એક્ઝિટ પૉલ અનુસાર, દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને P Mark નો સર્વે પણ બહાર આવ્યો છે. આ મુજબ, ભાજપને 39 થી 49 બેઠકો મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 21 થી 31 બેઠકો મળવાની ધારણા છે. આ ઉપરાંત, આ એક્ઝિટ પૉલમાં કોંગ્રેસને એક બેઠક મળી શકે છે.
પીપલ્સ ઇનસાઇડના એક્ઝિટ પૉલ મુજબ, દિલ્હીમાં ભાજપને 40 થી 44 બેઠકો મળવાની ધારણા છે. આમ આદમી પાર્ટીને 25 થી 29 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે આ સર્વે મુજબ કોંગ્રેસને એક બેઠક મળી શકે છે.
દિલ્હી ચૂંટણી અંગે પૉલ ડાયરીના એક્ઝિટ પૉલ મુજબ, ભાજપને પ્રચંડ વિજય મળતો દેખાય છે. આમાં ભાજપને 42 થી 50 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે આ સર્વે મુજબ આમ આદમી પાર્ટીને ૧૮ થી ૨૫ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પૉલ મુજબ, ભાજપને 39 થી 44 બેઠકો, AAP ને 25 થી 28 બેઠકો અને કોંગ્રેસને 2 થી 3 બેઠકો મળવાની ધારણા છે.
દિલ્હી સટ્ટા બજાર અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, આ ચૂંટણીમાં આપ પાર્ટીને 38 થી 40 બેઠકો, ભાજપને 30 થી 32 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળવાની શક્યતા નથી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન નોંધાયું હતું. આમાં મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. હવે દિલ્હીમાં મતદાનનો સમય પૂરો થઈ ગયો છે.
બુધવારે સવારે 7 વાગ્યાથી 1.56 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું. તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં 13,766 મતદાન મથકો પર મતદાન થયું, જેમાં 699 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ EVMમાં કેદ થયું. આ ઉપરાંત, ૭,૫૫૩ લાયક મતદારોમાંથી ૬,૯૮૦ મતદારોએ ‘ઘરેથી મતદાન કરો’ સુવિધા હેઠળ મતદાન કરી દીધું છે. અગાઉ, સોમવારે (૩ ફેબ્રુઆરી) સાંજે ૬ વાગ્યે સત્તાવાર રીતે સમાપ્ત થયેલા ચૂંટણી પ્રચારમાં ત્રણ મુખ્ય દાવેદારો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી. AAP એ તેના શાસન મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશીએ શહેરભરમાં રેલીઓ યોજી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા જેવા દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં, ભાજપે ભ્રષ્ટાચારના આરોપો અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર AAP પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કર્યો અને વિવિધ મુદ્દાઓ પર AAP અને BJP બંને પર પ્રહારો કર્યા.