દિલ્હીમાં કોની ‘સરકાર’! કાલે પરિણામ : વધુ બે એકઝીટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતીના સંકેત ,
અમારા નિશ્ચિત જીતના ઉમેદવારોને રૂા.15 - 15 કરોડ ઓફર થાય છે : કેજરીવાલે તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવી

દેશમાં ગત વર્ષે લોકસભા ચુંટણીમાં બહુમતીથી દુર રહી ગયેલા ભાજપે બાદમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જબરી ફતેહ મેળવ્યા બાદ આ વર્ષે દિલ્હીના પ્રતિષ્ઠા જંગમાં પણ આમ આદમી પાર્ટીને પરાજીત કરી કેપીટલ કબ્જે કરશે તેવા સંકેત વચ્ચે આવતીકાલે હાથ ધરાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરીની ઉતેજના અને સસ્પેન્ડ વધી ગયા છે.
જો ત્રિશંકુ વિધાનસભા સર્જાય તો રાજકીય તડજોડા માટે પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. કાલે બપોર સુધીમાં જ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠક પરના પરિણામો જાહેર થઈ જશે. દિલ્હીમાં રેકર્ડ બ્રેક 13 એકઝીટ પોલ જાહેર થયા છે. જેમાં 11માં ભાજપની સરકાર રચાશે તેવા સંકેત આપી દીધા છે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ભાજપે ચૂંટણીમાં પોતાની હાર માની લીધી છે અને તેથી જ પરિણામો પલટાવવા માટે તે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જેની જીત નિશ્ચિત છે તેમનો સંપર્ક કરી રૂા.15-15 કરોડ ઓફર કરવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજયસિંહે આરોપ મુકયો છે કે, ભાજપે અમારા સાત ઉમેદવાર જેની જીત નિશ્ચિત છે. તેમનો ભાજપે સંપર્ક કરીને પક્ષમાં સામેલ થવા રૂા.15-15 કરોડની ઓફર કરી છે. તો અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે અમારા 16 ઉમેદવારોને ભાજપે સંપર્ક કરીને પણિમ બાદ ભાજપ સાથે જોડાવા આમંત્રણ આપ્યુ છે.
દિલ્હીમાં ગઈકાલે વધુ બે એકઝીટ પોલ જાહેર થયા જેમાં ટૂ-ડે ચાણકય એ ભાજપને પ્રચંડ બહુમતીમાં 51 બેઠક પર વિજેતા દર્શાવ્યા છે. આમ આદમી પાર્ટીને 19 બેઠકો મળશે તેવો અંદાજ અપાયો છે તો કોંગ્રેસને કોઈ બેઠક નહી મળે તેવો વર્તારો કર્યો છે.
બીજી તરફ દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી તથા ‘આપ’ના સંયોજક અરવિંદ કેજરીવાલે પક્ષના તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવીને તેઓને પરિણામ સુધી હવે ‘વોચ’માં રાખવાની પણ તૈયારી કરી છે.
નવી દિલ્હી: દિલ્હીમાં પરિણામો પુર્વે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરાયાના આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે યુકેના આરોપ પર દિલ્હી ભાજપના વડા વિરેન્દ્ર સચદેવાએ પ્રતિભાવ આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટીની હાર નિશ્ચિત જણાતા હવે તેણે ઈવીએમ બાદ નવો આરોપ લગાવ્યા છે પણ સંજયસિંહએ આ નવા ધારાસભ્યોના ખરીદ-આરોપ પર માફી નહી માંગે તો અમો તેના પર માનહાનીનો કેસ દાખલ કરીશું.