પીએમની વાલીઓ-શિક્ષકોને અપીલ-દરેક બાળક ખાસ હોય છે, તેની અન્ય સાથે તુલના ન કરો, બાળકો પર પ્રેસર ન નાખો તે ખુદ બહેતર બનવાની કોશિશ કરે છે
બોર્ડની પરીક્ષા પૂર્વે પીએમ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’માં છાત્રોને આપી તનાવથી બચવાની ટિપ્સ

બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ સાથે પરીનો તણાવ કેમ દુર કરવો તે મુદ્દે ટીપ્સ આપી હતી. આ કાર્યક્રમ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં યોજાયો હતો.
આ તકે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત હતા. વડાપ્રધાન મોદીએ સૌને સંબોધન કરીને જણાવ્યું હતું કે દરેક બાળક ખાસ હોય છે, તેની બીજા સાથે તુલના ન કરો, બાળકો પર પ્રેસર ન નાખો, બાળક ખુદને પહેલાથી બહેતર કરવાની કોશીશ કરે છે.
પરીક્ષા પહેલા તનાવથી કેવી રીતે બચવું
પરીક્ષા પહેલા સ્ટ્રેસથી કેવી રીતે બચવું તેવા સવાલ પર મોદીએ જણાવ્યું હતું કે આપના મનની દુવિધાઓને લોકોમાં વહેંચવી શરૂ કરો. આથી મન શાંત થાય છે. સાથે સાથે ઘરના કોઈ સભ્ય સાથે વાત કરો.
વડાપ્રધાન મોદીએ ક્રિકેટરોનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે દબાણ પર ધ્યાન ન આપો સ્ટેડિયમમાં જે રીતે બેટસમેન સ્ટેડિયમમાં નારા અને શોર સામે બેધ્યાન રહે છે અને બોલ પર ધ્યાન કેન્દ્રીત કરે છે એ રીતે છાત્રોએ પણ દબારના બારામાં વિચારવાને બદલે ભણતર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દરેક બાળકમાં કંઈને કંઈ ખાસિયત હોય છે. સાથે સાથે મોદી પ્રશ્ન પૂછનાર બાળકના ખાસિયતના બારામાં પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે પરીક્ષા માટે બાળક ખુદને તૈયાર કરે. ચર્ચા દરમિયાન કેરળની એક છાત્રાના દિલ્હીથી પીએમ પ્રભાવિત થયા હતા.
કાર્યક્રમ દરમિયાન એક છાત્રે પૂછયું કે સારા નેતા કેવી રીતે બનાય? જેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે ટીમ વર્ક અને ધીરજ સારા નેતા બનવાના મુખ્ય ગુણ છે. આપણા સાથીઓનું સમર્થન કરવું અને તેમની પરિસ્થિતિઓને સમજવી મહત્વનું છે. નેતૃત્વ કોઈ પર થોપી ન શકાય. બિહારના એક છાત્રે લીડરશીપ શું છે તેવો સવાલ પૂછતા મોદીએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો કે બિહારના છાત્ર છો અને રાજનીતિ સાથે જોડાયેલ સવાલ ન હોય તો તે હોઈ જ ન શકે. પીએમ મોદીએ કહ્યું હતું કે આપના વિશ્ર્વાસથી લીડરશીપને બળ મળે છે.
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન બાળકો સાથે હળવા અને ખુલ્લા મને ચર્ચા કરતા જોવા મળ્યા હતા. પરીક્ષા પે ચર્ચાનું સીધુ પ્રસારણ કરાયું હતું. જેમાં બધા રાજયો, કેન્દ્રશાસિત પ્રદેશોના બોર્ડના છાત્રોમાંથી 36 છાત્રોની પસંદગી ચર્ચા માટે કરાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ’એકઝામ વોરિયર’ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે. આ પુસ્તક વાંચીને સૌ વિદ્યાર્થીઓએ હળવા પણ થવું જોઈએ.