લોકોને ચૂંટણીમાં ભાગ્યે જ કોઈ રસ પડયો: પાયાની સંસ્થાઓની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજયને મજબૂત કરવાની તક સૌએ ગુમાવી: વધુ નબળી કરવામાં જોડાઈ ગયા
પરિણામો પણ અપેક્ષિત લાઈન મુજબ જ આવશે: જીતેલા રાજકીય સ્વાર્થ સાથે સતા સાથે જોડાઈ જશે: ઓબીસી અનામત એ ટેસ્ટ કાર્ડ પણ બની ન શકયુ

ગુજરાતમાં ‘મીની ધારાસભા’ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીના એક મહત્વના રાઉન્ડમાં જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને મહાપાલિકાની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીઓમાં આજે જાહેર પ્રચારના પડઘા શાંત થયા બાદ રવિવારના મતદાન બાદ તા.18ના પરિણામોમાં ભાગ્યે જ કોઈ આશ્ચર્યજનક લોકચૂકાદો આવે તેવી ધારણા છે.
વાસ્તવમાં સમગ્ર ચૂંટણી જે દેશની લોકશાહી માટે પાયાનું કામ કરતી સ્થાનિક ચુંટણીઓ છે તેમાં ભાગ્યે જ ‘લોકશાહી’ જેવી કોઈ સ્થિતિ જોવા મળી તો લોકોમાં પણ આ ચુંટણીમાં ભાગ્યે જ કોઈ ઉત્સાહ જોવા મળ્યો અને પરિણામો પણ અપેક્ષિત હશે તેવા સંકેત છે. રાજયમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં 27% ઓબીસી અનામતના અમલ સાથે આ ચુંટણીઓ યોજાઈ છે પણ ઓબીસી કાર્ડની કોઈ કસોટી જેવી સ્થિતિ બની નથી.
મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો અને પ્રજાને સીધા સ્પર્શતા તેના ઘરની આસપાસના પ્રશ્નો સાથેની આ ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નોના બદલે ભાજપના લેટરકાંડથી લઈને મેન્ડેટ કાંડ અને પક્ષાંતર-ઉમેદવારી પાછી ખેચવા જેવા મુદાઓ જ છેક છેલ્લે સુધી હાવી થતા જોવા મળ્યા હતા. સૌથી મહત્વનું આ ચુંટણીમાં ગુજરાત ભાજપનું ટોચનું નેતૃત્વને જીતનો વિશ્ર્વાસ પ્રથમ દિવસથી જ હોય તેવા સંકેત હતા.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ હોવા છતાં પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ જુનાગઢ મહાપાલિકા જેવી મહત્વની ચૂંટણીથી પણ પ્રચારમાં જોડાયા નહી અને મર્યાદીત મંત્રીઓને ખાસ જવાબદારી સોપાઈ હતી પણ ભાજપના સ્ટાર પ્રચારકની યાદી ખાસ કરીને અગાઉ મેન્ડેટકાંડથી ચર્ચાસ્પદ બનેલી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં વિવાદ સર્જી ગઈ.
આ ચુંટણીની જવાબદારી જેને ખભે છે તે પદ જયેશ રાદડીયાને સ્ટાર પ્રચારક બનાવાયા નહી અને તેમના વિરોધી જૂથના ગણાતા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટને આ યાદીમાં સ્થાન અપાયું. આમ આ ચુંટણી પણ પોલીટીકલ મેસેજનુ માધ્યમ બની ગઈ તો બીજી તરફ ઉમેદવારો જાહેર થતા જ જે રીતે જૂનાગઢમાં ભાજપે 8 બેઠકો બીનહરીફ જીતી તેમાં પણ ઓપરેશન લોટસ હવે આ માઈક્રો લેવલ સુધી પહોંચી ગયું હોવાનો સંકેત મળી ગયો.
લોકોને તેના પ્રતિનિધિ પસંદ કરવાનો અધિકાર છીનવવામાં ભાજપે કોઈ કસર બાકી રાખી ન હતી. ભચાઉ જેવી નગરપાલિકામાં પ્રચાર ચાલુ થાય તે પુર્વે જ પરિણામ નકકી થઈ ગયા જેવી સ્થિતિ બનાવી દેવાઈ હતી તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ રાબેતા મુજબ હારવા માટે જ ચુંટણી લડતો હોય તેવું દ્રશ્ય હતું. લોકશાહી અને બંધારણ બચાવવાની વાટો કરી સંસદ ખોરવનાર કોંગ્રેસે તેના માટે પાયાની લડતમાં પણ પોતાના પગ પાછા ખેચી લીધા હોય તેવું દ્રશ્ય બનાવી લીધુ.
આગામી વિધાનસભામાં આ પક્ષને મજબૂત લડત આપવા આ ચુંટણી ગ્રાઉન્ડ બનાવવા જેવું હતું પણ તે ચુકી ગયાનો અહેસાસ જોવા મળ્યો હતો. વાસ્તવમાં આ ચુંટણી હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને મજબૂત બનાવી લોકશાહી તથા લોકોની સુવિધાઓ પ્રત્યે રાજકીય પક્ષો જાગૃત છે તે દર્શાવવાની તક હતી પણ તે ચુકી જવાઈ તેની ખુદ ભાજપ પણ ફકત સતાના સમીકરણ માટે જ આ ચુંટણીને માધ્યમ બનાવતી હોય તે નિશ્ચિત થયું.
સૌથી રસપ્રદ બાબત એ છે કે, હાલ પક્ષમાંથી બળવા કરી અપક્ષ તરીકે ચુંટણી લડનાર ભાજપ-કોંગ્રેસના નેતાઓ જો ચુંટાઈ જશે તો ફરી તેના પક્ષમાં કે જયાં સતા હશે ત્યાં સમાઈ જશે અને તેમને સ્વીકારી લેવામાં આવશે. આમ જીત એ પક્ષ વિરોધી પ્રવૃતિમાં માફફ કરવાનું સાધન બની જશે.