ગુજરાતમાં મહાપાલિકા અને નગરપાલીકા સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની યોજાયેલી ચુંટણીમાં પરિણામો અપેક્ષિત ,
વિધાનસભા કરતા વધુ મોટો વિજય : 92% નગરપાલિકા સ્પષ્ટ બહુમતી; ત્રિશંકુ રહેલી ચાર પણ ઓપરેશન લોટસથી કેસરીયા બની જશે : કોંગ્રેસને ‘આપ’ સાથે રહેવામાં એક નગરપાલિકાનું આશ્વાસન ઈનામ મળ્યું

ગુજરાતમાં મહાપાલિકા અને નગરપાલીકા સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની યોજાયેલી ચુંટણીમાં પરિણામો અપેક્ષિત લાઈન પર જ આવ્યા છે અને ભાજપે અગાઉ કરતા પણ વધુ નગરપાલિકા પર શાસન નિશ્ચિત કરીને કોંગ્રેસ પક્ષે તેના જયાં થોડો ઘણો ‘બેઝ’ બચ્યો હતો ત્યાંથી પણ પીછેહઠ કરવાની ફરજ પાડી છે.
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ સતાની હેટ્રીકમાં સફળ રહ્યું છે પણ 2019માં જૂનાગઢ મહાપાલિકાની યોજાયેલી ચુંટણીમાં ભાજપને 55 બેઠકો મળી હતી અને 4 બેઠકો એનસીપીને તથા કોંગ્રેસને ફકત એક જ બેઠક મળી હતી.
આમ કોંગ્રેસ પક્ષને હવે 11 બેઠકો મળી છે. ભાજપને 48 બેઠકો (જેમાં આઠ અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ હતી) અને એક બેઠક અપક્ષ જે વોર્ડ નં.9માં જાયન્ટ કિલર બન્યા છે અને એક બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અને છ થી વધુ વખત ડે.મેયર રહી ચૂકેલા પાવરફુલ ગણાતા કોટેચા કુટુંબના પાર્થ કોટેચાને પરાજય મળ્યો તે પણ સૂચક છે પરંતુ એકંદરે જૂનાગઢમાં ભાજપનો સ્કોર 2019 જેવો રહ્યો નથી.
કોંગ્રેસ પક્ષ જે એક વખત આ મહાપાલિકામાં સતા કબજે કરી હતી તેણે રાજયમાં અન્યત્ર જે રીતે કોંગ્રેસનું પ્રદર્શન છે તેના કરતા જૂનાગઢ મહાપાલિકામાં સારો દેખાવ કર્યો છે તે સ્વીકારવું પડે હવે તેનો કેટલો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે તે પ્રશ્ન છે.
જૂનાગઢમાં ઓછું મતદાન પણ તેમાં એક કારણ હોઈ શકે. આ ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 98% રહ્યો તેવું પક્ષના પ્રમુખ શ્રી સી.આર.પાટીલે કહ્યું. આમ વિધાનસભા કરતા આ મીની વિધાનસભામાં ભાજપનો વિજય મોટો ચોકકસ ગણી શકાય. કુલ 68 માંથી 59 નગરપાલીકામાં ભાજપનું સ્પષ્ટ-બહુમતી સાથેનું શાસન છે જે અનિર્ણય રહી છે ત્યાં ભાજપનું ઓપરેશન લોટસ કામ કરી જશે તેવો સંકેત ગઈકાલે જ પક્ષના પ્રમુખ સી.આર.પાટીલે આડકતરી રીતે આપી દીધો છે પણ જે ત્રણ નગરપાલીકા ભાજપે ગુમાવી તેમાં પોરબંદર પંથકની બે કુતિયાણા-રાણાવાવ એ આ જીલ્લામાં રાજકારણમાં ચર્ચા જગાવી છે.
અહી 30 વર્ષથી ભાજપનું શાસન હતું પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જેઓ ગુજરાતમાં સમાજવાદી પક્ષનો ઝંડો ફરકાવી રાખે છે. તેઓના ફેમીલીએ આ બન્ને નગરપાલીકા કબ્જે કરી અને ઢેલીબેન ઓડેદરા જે અજેય મનાતા હતા તેની પાસેથી સતા આંચકી તે પણ રસપ્રદ બાબત છે.
અહી સાંસદ- મનસુખ માંડવીયા અને ભાજપમાં જોડાઈને ફરી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડીયાને જવાબદારી સોંપાઈ હતી પણ મહત્વનું એ છે તેમાં ભાજપ સ્ટાઈલનો પ્રચાર જોવા મળ્યો ન હતો.
ખાસ કરીને ભાજપ જયાં વિરાધી મજબૂત હોય ત્યાં ટાર્ગેટ કરે છે પણ કુતિયાણા-રાણાવાવમાં તે જોવા મળ્યુ નહી. 30 વર્ષથી ઢેલીબેનનો જે દબદબો હતો પણ છેલ્લે વિધાનસભા ચૂંટણીમાં તેમાં કાંધલ જાડેજા સામે હાર્યા પછી પણ ભાજપ પાસે વિકલ્પ ન હતો કે વિકલ્પ બનાવવા માંગતો ન હતો તે પ્રશ્ન છે તો કાંધલ જાડેજા જે અહી ધારાસભ્ય છે તેઓએ બન્ને નગરપાલિકાના મતદારો સાથે ‘પર્સનલ ટચ’ બનાવ્યો.
અહી ખેડુતોને સિંચાઈ સહિતના પાણીની સમસ્યા હતી તેમાં ખુદના ખર્ચ વ્યવસ્થા કરી આપી અને વિકાસની ‘પોલ’ ખોલી ને વિજય મેળવ્યો છે તેમ કહી શકાય તો બીજી ચર્ચા એ છે કે ભાજપના જ એક જૂથે અહી ઢેલીબેનનો પરાજય નિશ્ચિત કર્યો. જો કે બહુમતી બહું મોટી નથી છતા તે ભવિષ્યમાં નવા સમીકરણો સર્જી શકે.
પોરબંદર પંથકમાં ભારતે ‘ઉછીના’ સાંસદ (જીલ્લા બહારના) કે ધારાસભ્યમાં પણ હવે મોઢવાડીયાને લેવા પડયા તેથી ભવિષ્યમાં તેની અસર દેખાશે. એક સમયના આ પંથકના વજનદાર નેતાની ભૂમિકાની પણ ચર્ચા છે.
આ ઉપરાંત સલાયામાં ભાજપને ડિમોલીશન નડી ગયું પણ મહત્વનું એ છે કે અહી પક્ષને એક પણ બેઠક ન મળી. આમ આદમી પાર્ટીને અહી કોંગ્રેસ સાથેનું ગઠબંધન ફળ્યું તે પણ ચર્ચા છે. અમરેલીમાં લેટરકાંડની અસર જરાપણ દેખાયી નહી અને તમામ નગરપાલિકા જીતી તે દર્શાવે છે કે ભાજપે ચુંટણી પુરતુ ડેમેજ કંટ્રોલ કરી લીધુ છે.
હવે સંગઠનમાં તે કેટલું કરે છે તેના પર નજર છે તો જેતપુરમાં જે મેન્ડેટ વિવાદ હતો અને ભાજપના જ બે નેતાઓ વચ્ચેનો વિખવાદ પણ હતો તેમાં જેતપુરની જીત રાદડીયાની ગણવી કે ભાજપ તે ભવિષ્યમાં નિશ્ચિત થયે ખાસ કરીને નવી બોડી બનાવવામાં કોનો હાથ ઉપર રહે છે તે જોવુ રસપ્રદ બની જશે.
આ પ્રકારની સ્થાનિક ચુંટણીઓમાં અપક્ષોની બોલબાલા હોય છે અને તે ફરી જોવા મળી. 151 અપક્ષો જીત્યા છે તે ભવિષ્યમાં સતાની સાથે હશે તેવા સંકેત છે. ગુજરાતમાં ‘આપ’ તેની અસર બનાવી રહી છે. આપને 27 બેઠકો મળી તેમાં સલાયામાં જ સૌથી વધુ સફળતા મળી તે પણ કેટલો સમય રહેશે તે પ્રશ્ન છે
ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયને આવકારતા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે ફરી એક વખત હવે પક્ષમાં સંગઠન ફેરફારનો સંકેત આપી દીધો છે. તેઓએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે હું પણ હવે નવા પ્રદેશ પ્રમુખની રાહ જોવ છું અને બહુ જલ્દી તેમાં સમાચાર મળશે.
શ્રી મોદીએ આગામી સમયમાં વર્ષના અંતે યોજાનારી હાલની આઠ તથા નવી બની રહેલી નવ મહાપાલિકા પર જીતનો ટાર્ગેટ હોવાનું જણાવ્યુ હતું તેઓએ કહ્યું કે કોંગ્રેસ પક્ષની હાર દર્શાવે છે કે તેણે લોકોને જે વિશ્ર્વાસ ગુમાવ્યો છે તે હાંસલ કરવામાં ફરી નિષ્ફળ રહી છે.
શ્રી પાટીલએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપાએ જે પરિણામની કલ્પના કરી હતી તેમાં થોડી કચાસ રહી ગઈ છે. અમે 68 માંથી 68 પર વિજય મેળવવા માંગતા હતા પરંતુ 2 બેઠક એસ.પી.ને મળી, એક બેઠક કોંગ્રેસને મળી. ગત વખતે કોંગ્રેસ પાસે જે 13 બેઠકો હતી તેમાંથી ફકત અ્રેક બેઠક જીતી શકયા છે.
ગત વખત કરતા આ વખતે ભાજપની 14 બેઠકો વધી છે. 60 બેઠકો પર ભાજપ સ્પષ્ટ જંગી મતો સાથે જીત્યુ છે. આ વખતની ચુંટણીમાં 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નથી અને બાકીની બેઠકોમાં પણ ઓછી બેઠક મળી છે.
આ પરિણામ જોતા ખ્યાલ આવે છે કે કોંગ્રેસ મુકત ગુજરાત થઈ રહ્યું છે. પોતાને નેતા કહેતા આંકલાવના ધારાસભ્યે તો તેમના પક્ષના ઉમેદવારને મેન્ડેટ આપવાની હિંમત જ દાખવી નહી તે જ બતાવે છે કે કોંગ્રેસના આગેવાનો પ્રત્યે કાર્યકર્તાઓની નારાજગી સાથે હિંમત ગુમાવી દીધી છે તે દેખાઈ રહ્યું છે.