આજે ‘ અમદાવાદ’નો આજે 614મોં જન્મદિવસ છે , દેશ-વિદેશમાં અમદાવાદ પ્રખ્યાત છે ,
અમદાવાદને વિશ્વના ફલક પર પ્રસિદ્ધ કરવાનો શ્રેય ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ કલાકારોને પણ જાય છે જેમણે પોતાની કલા થકી અમદાવાદને એક આગવી ઓળખ આપી છે.

ભારતનું પહેલું હેરિટેજ શહેર એટલે કે ‘અમદાવાદ’નો આજે 614મોં જન્મદિવસ છે. અમદાવાદ શહેરની વાત આવે એટલે તેના સ્થાપત્યો અને કલાપ્રેમી પ્રજાની પણ વાત આવે. આજે દેશ-વિદેશમાં અમદાવાદ પ્રખ્યાત છે. ત્યારે અમદાવાદને વિશ્વના ફલક પર પ્રસિદ્ધ કરવાનો શ્રેય ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ કલાકારોને પણ જાય છે જેમણે પોતાની કલા થકી અમદાવાદને એક આગવી ઓળખ આપી છે.
અમે અમદાવાદના જન્મદિવસ નિમિત્તે તમારા મનગમતા એવા કલાકારો સાથે વાત કરી જેઓ પાક્કા અમદાવાદી છે. અને તેમણે પોતાના અભિનયના ઓજસ ગુજરાતીમાં જ નહિ બલ્કે દુનિયાભરમાં પાથર્યા છે. અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક પસંદીદા અમદાવાદી કલાકારો સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે “એ કયા લક્ષણો છે જે તમને અમદાવાદી બનાવે છે?” અને તેમણે અમને જે જવાબ આપ્યા એ આ મુજબ છે.
આપણા બધાના પ્રિય લેખક-ગીતકાર સૌમ્ય જોશીના મતે – ફરસાણ પ્રેમી, કીટલીના ચાહક, બીજું કે જો અમદાવાદીઓને વહેલી સવારે ક્યાંય જવાનું હોય છતાં તેઓ મોડી રાતે પણ ગાંઠિયા ખાવા કે સોડા પીવા બહાર નીકળી જતા હોય છે ચિંતા વગર અને ત્રીજું કે અમદાવાદીઓ કલાપ્રેમી, કલારસિકો હોય છે અને આ બધા ગુણો તેમને પાક્કા અમદાવાદી બનાવે છે.
3 એવા પોઈન્ટ્સ જે મલ્હારને અમદાવાદી બનાવે છે એ છે – ‘ફૂડી’, ઓવર સોશિયલ વ્યક્તિત્વ’ જે લગભગ દરેક અમદાવાદી હોય છે. આ ઉપરાંત જીવન જીવવાનો ઉત્સાહ અમદાવાદીઓમાં હોય છે અને અમદાવાદીઓ નાના સપનામાં પણ ખુશ રહેતા હોય છે. અને લાઈફમાં બધું ઓકે જ છે એ એટીટ્યુડ મલ્હારને અમદાવાદી બનાવે છે.
આરોહીના મતે તેને પાક્કી અમદાવાદી બનાવે છે તેની દરેક જગ્યા વિશેની જાણકારી. તે પોતે ફૂડી છે અને અમદાવાદમાં કોઈપણ વિસ્તારમાં તમે જો સારું ખાવાનું શોધી રહ્યા હોવ તો તેની પાસે બીજા અમદાવાદીની જેમ જ તરત 10 વિકલ્પો આપી શકેથી માંડીને તેને અમદાવાદના દરેક ગલીને રસ્તા વિશે ખબર છે કે ક્યાં ક્યારે ટ્રાફિક હશે? કયો શોર્ટકેટ છે વગેરે.. તેને પાક્કી અમદાવાદી બનાવે છે.
રાગી જાની કહે છે કે તેમને અમદાવાદમાં પોતીકાપણું લાગે છે. દર બીજો અમદાવાદી તેમના જેવો જ લાગે છે. કોઈપણ પ્રકારના ભાર અને આડંબર વગરનું જીવન જીવતો હોય એ અમદાવાદી અને એ પોતીકાપણું જ તેમને અમદાવાદી બનાવે છે.
બિલ્ડર બોય રોનક જણાવે છે કે એક ફોન પર મિત્રને મળવાનો તાત્કાલિક પ્લાન જે બનાવે એ અમદાવાદી જ હોઈ શકે. બીજી અમદાવાદીઓની ખાસિયત એ છે કે અમદાવાદીઓની દરેક સમસ્યાનું નિવારણ હોય છે ‘એક કટિંગ ચા’ ત્રીજું એ છે કે જેટલા ખાવાના શોખીન અમદાવાદી છે એ બીજું કોઈ ના હોઈ શકે અને તે પોતે પણ ફૂડી છે અને ચોથું અને સૌથી અગત્યનું છે એ છે અમદાવાદીઓનો ઉમળકો અને આવકાર, એ અજાણ્યા વ્યક્તિને પણ એ રીતે મળશે જાણે ઘણા સમયથી ઓળખતા હોય.
અમદાવાદીઓ તરત ઓળખાઈ જ આવે, અલગ પડી જ જાય. અમદાવાદીઓ આવ્યા ને આયા જ કહે. મોજથી જીવે. કેમ છો ને બદલે કેમ છો પાર્ટી બોલે એ અમદાવાદી. ગમે ત્યાં હોઈએ પણ ઉત્તરાયણ તો અમદાવાદમાં જ અને આખી રાત નવરાત્રીમાં ગરબે રમે એ અમદાવાદી.
નેત્રીનું કહેવું છે કે એક અમદાવાદીની પહેલી ઓળખ છે કે એ ફૂડી હોય છે અને એવું જ તેનું પણ છે તે દેશમાં હોય કે વિદેશમાં સાંજ પડે તેને સ્ટ્રીટ ફૂડ જ યાદ આવે છે. રસ્તે જતા ક્યાંય પણ બે જણ ઝગડતા હોય તો તે જોવા ઉભું રહી જવું કે પછી ઊંધા રસ્તે જતા વ્યક્તિને બૂમ પાડીને કમેન્ટ કરવી. અમદાવાદીઓ હાર્મલેસ પણ છે અને રિબેલિયસ પણ તો આ બધા ગુણો તેને અમદાવાદી બનાવે છે.
તો માઈકલના હિસાબે તેની અમદાવાદી તરીકેની ઓળખ એ છે કે તેણે પતંગ હોટલ માં લંચ અને માણેકચોકમાં ડિનર કર્યું છે. તે મિત્રો સાથે ચાની કિટલી પર geo-politics ડિસ્કસ કરે છે. અને બે-શરમીથી ભાવતાલ પણ કરે છે. અને પોળમાં ઉત્તરાયણ ઉજવી છે અને રથયાત્રાનાં દર્શન કર્યા પણ કર્યા છે.