હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન ,
હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે.

રાજ્યમાં બદલાતા વાતાવરણની વચ્ચે હવે હવામાનની નવી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ 7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ હતી.
ગુજરાતમાં આગામી દિવસોએ ગરમીમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનું પૂર્વાનુમાન છે. જેમાં પણ 3થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે શુક્રવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભૂજમાં નોંધાયું હતુ. મહત્વનું છે કે, હાલ ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ગરમીના કારણે 9થી 11 માર્ચ દરમિયાન અકળામણનો અનુભવ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.