રમત ગમત

ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ , 25 વર્ષે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ફાઈનલમાં હરાવીને બદલો લીધો ,

વિનીંગ શોટ રવિન્દ્ર જાડેજાનો : બેટીંગ - બોલીંગ બન્નેમાં ભારત સર્વોપરી સાબીત

સ્પીન ચોકડીના એટેક બાદ બેટરોનું પણ મહત્વપૂર્ણ યોગદાન : વરૂણ – કુલદીપ – રવિન્દ્ર – અક્ષરે ન્યુઝીલેન્ડને બાંધી રાખી, રોહિત – ગીલ – શ્રેયસ – રાહુલે રનચેઝમાં મુખ્ય ભૂમિકા ભજવી , 

સ્પીન ચોકડીની કમાલ તથા ત્યારબાદ બેટરોના મહત્વપૂર્ણ યોગદાનના સહારે ભારતે ચાર વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. સળંગ બે આઈસીસી ટ્રોફી જીતવાનું ગૌરવ હાંસલ કર્યુ હતું. ફાઈનલની સાથોસાથ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અનેકવિધ રેકોર્ડ પણ સર્જાયા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં વધુ એક વખત ટોસ ગુમાવનાર ભારતે વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલની સ્પીન ચોકડીની મદદથી ન્યુઝીલેન્ડને નિયંત્રણમાં રાખ્યુ હતું.

પ્રથમ દાવ લેનાર ન્યુઝીલેન્ડ 251 રન કરી શકયુ હતું. આક્રમક શરૂઆત કર્યા બાદ વરૂણ ચક્રવર્તીએ પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ કુલદીપે ઉપરાઉપરી બે વિકેટ ખેડવીને કમ્મર તોડી નાખી હતી.

મિચેલ અને બ્રેસવેલે અર્ધી સદી ફટકારીને કિવીઝને માનભર્યા જુમલે પહોંચાડયુ હતું. ભારત તરફથી વરૂણ અને કુલદીપે બે-બે તથા રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શામીએ એક-એક વિકેટ ઝડપી હતી.

252 રનનો જુમલો ચેઝ કરવા ઉતરેલ ભારતીય કપ્તાન રોહિત શર્મા તથા ઉપકપ્તાન શુભમન ગીલની જોડીએ પ્રથમ વિકેટમાં 105 રનની ભાગીદારી કરી લીધી હતી, ત્યારે ગીલ, કોહલી અને રોહિતની ઉપરાઉપરી વિકેટ પડતા ‘વન સાઈડેડ’ લાગતો મેચ રોમાંચક બની ગયો હતો.

શ્રેયસ ઐય્યર તથા અક્ષર પટેલે બાજી સંભાળીને ભારતને જીતની નજીક પહોંચાડયું હતું ત્યારે તે બન્ને પણ આઉટ થયા હતા. રાહુલ અને હાર્દિક કેટલાક શોટ ફટકાર્યા હતા. હાર્દિક આઉટ થયો ત્યારે ભારત જીતની ઘણુ સમીપ આવી ગયુ હતુ.

રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ખુટતા રન બનાવીને ભારતને જીત અપાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ વિજયી ચોકો ફટકાર્યો હતો. 49 ઓવરમાં વિજય હાંસલ થતાની સાથે જ ભારતીય છાવણી ઉપરાંત દુબઈના આખા સ્ટેડીયમમાં અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.

જોરદાર આતશબાજી સાથે આનંદની છોળો ઉડી હતી. ખેલાડીઓએ મેદાન પર જ સેલીબ્રેશન કર્યુ હતું. સ્ટેડિયમમાં તિરંગા ફરકયા હતા અને વંદેમાતરમની ગુંજ ઉઠી હતી. ભારતના યાદગાર વિજયને અભૂતપૂર્વ રીતે વધાવવામાં આવતો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button