દેશ-દુનિયા

જાતિ – પોલીટીકલ મુદે ગડકરી – યોગી વચ્ચે વિખવાદ ; કેન્દ્રીય મંત્રી કહે છે જાતિની વાત કરશો તો હું લાત મારીશ ,

મુસ્લિમ સમુદાયમાં શિક્ષણ અંગે કરેલા વિધાનથી પણ ભાજપમાં ભવા ઉંચકાયા : યોગી હવે 80:20ની લડાઈની વાત કરે છે : બે દિવસમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓના નિવેદનો પણ સૂચક

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ’સબકા સાથ, સબકા વિકાસ’ની વાતો કરે છે. પીએમ મોદીએ પોતે ઘણાં મોરચે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ભાજપનાં નેતૃત્વએ પણ તમામ વર્ગોમાં આ સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે છેલ્લાં બે દિવસ દરમિયાન ભાજપનાં બે દિગ્ગજ નેતાઓએ જે પ્રકારનાં નિવેદનો આપ્યાં તેનાથી એવું લાગી રહ્યું હતું કે, જાણે પાર્ટીમાં અલગ-અલગ પરિસ્થિતિઓ સામે આવી રહી છે.

સૌથી પહેલાં ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ, જેમણે વિધાનસભા ચૂંટણી 2027ને લઈને પોતાની યોજના સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 2027 ની લડત 80 વિરુદ્ધ 20 થવાની છે.

યોગી આદિત્યનાથે 80-20ના નારા લગાવ્યા તો બીજી તરફ ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિનો ઉલ્લેખ કરવા પર મહત્વની ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે જે પણ જાતિની વાત કરશે, હું તેને જોરથી લાત મારી દઈશ. ગડકરી ઘણીવાર પાર્ટી લાઇનની બહાર નિવેદનો આપતાં રહ્યાં છે. આવી સ્થિતિમાં, તેની તાજેતરની ટિપ્પણીઓએ એક નવી ચર્ચાને વેગ આપ્યો છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન જાતિ આધારિત રાજનીતિ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ સાથે જાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે ભેદભાવ ન કરવો જોઈએ. જે કોઈ જાતિની વાત કરશે, હું તેને જોરથી લાત મારીશ. “વ્યક્તિ તેની જાતિ, ધર્મ, ભાષા અથવા પંથને કારણે નહીં, પરંતુ તેનાં પોતાનાં ગુણોને કારણે મોટો થાય છે. તેથી અમે કોઈની સાથે તેની જાતિ, ધર્મ, લિંગ કે ભાષાનાં આધારે ભેદભાવ કરતાં નથી.

“હું રાજકારણમાં છું અને ઘણી બધી વસ્તુઓ થાય છે પરંતુ હું મારી રીતે આગળ વધી રહ્યો છું. જો કોઈ મને મત આપવા માંગે છે, તો તેઓ આપી શકે છે, અને જો કોઈ ન આપે, તો તે તેમ કરવા માટે સ્વતંત્ર છે. મારાં મિત્રો મને પૂછે છે કે તમે આવું કેમ કહ્યું અથવા આવું વલણ કેમ અપનાવ્યું. હું તેમને કહું છું કે ચૂંટણી હારવાનો અર્થ તેનો અંત નથી.

“હું મારા સિદ્ધાંતો સાથે કોઈ બાંધછોડ નહીં કરું અને વ્યક્તિગત જીવનમાં તેનું પાલન કરવાનું ચાલું રાખીશ. ગડકરીએ સમાજ અને દેશનાં વિકાસ માટે શિક્ષણનાં મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ઘણાં વર્ષો પહેલાં જ્યારે તેઓ ધારાસભ્ય હતાં.

ત્યારે તેમણે મુસ્લિમ સમાજનાં લોકોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાને એન્જિનિયરિંગ કોલેજ અપાવવામાં મદદ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વર્ગને શિક્ષણની સૌથી વધુ જરૂર છે તે મુસ્લિમ સમુદાય છે.

નીતિન ગડકરી જે રીતે બોલ્યાં તે ચોંકાવનારું છે. જોકે, આ પહેલી વાર નથી. ગડકરી ઘણી વાર પાર્ટી લાઇનની બહાર ટિપ્પણી કરતાં રહ્યાં છે. આ જ કારણ છે કે ભાજપનાં આ દિગ્ગજ નેતાનાં વિરોધ પક્ષોએ પણ વખાણ કર્યા છે. કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય કે અન્ય પાર્ટીઓ હોય, તેમનાં નેતાઓ ગડકરીના વખાણ કરતાં ક્યારેય થાકતા નથી.

ગડકરીએ જે રીતે મુસ્લિમો વિશે વાત કરી તેનાથી ભાજપમાં મૂંઝવણ ઉભી થઈ શકે છે. કોંગ્રેસ, શિવસેના (યુબીટી) તેમનાં સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યાં છે.

આ સાથે જ ભાજપનાં દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 80-20 ફોમ્ર્યુલાનો ઉલ્લેખ કર્યો છે. યુપીમાં વિધાનસભા ચૂંટણીને 2027માં બે વર્ષ જેટલો સમય બાકી છે તેમ છતાં સીએમ યોગીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ’બટેગેં તો કટેગેં’ અને ’એક હૈં તો સલામત હૈં’ જેવાં સૂત્રો દ્વારા પાર્ટી પોતાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

આવી સ્થિતિમાં સીએમ યોગીએ હવે 80-20ની રાજનીતિ પર ભાર મૂક્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સીએમ યોગી આદિત્યનાથે સાફ શબ્દોમાં કહ્યું કે 2027માં લડાઈ 80 વિરુદ્ધ 20 થવાની છે. 2022ની ચૂંટણીમાં સીએમ યોગી પણ આવો જ દાવો કરતાં જોવા મળ્યાં હતાં. હવે તેમનો લેટેસ્ટ દાવ રાજકીય પારો ઉંચો કરવા લાગ્યો છે.

સવાલ એ ઉભો થાય છે કે ભાજપમાં મોટા નેતાઓના મંતવ્યો કેમ અલગ છે. ગડકરી કહી રહ્યાં છે કે જાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઇ ભેદભાવ ન થવો જોઇએ તો યોગી આદિત્યનાથ 80-20 ફોમ્ર્યુલા આપી રહ્યાં છે. આવું થવાનું એક કારણ છે. નીતિન ગડકરી પાર્ટીમાં સૌમ્ય ચહેરાનું પ્રતિક છે. તે હંમેશાં દરેક વર્ગને સાથે લેવાની વાત કરતાં રહ્યાં છે.

સાથે જ યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વના રસ્તે ચાલી રહ્યાં છે. તેમનાં નિવેદનોને જોતાં સમજી શકાય છે કે આવી બાબતો પર તેઓ કેવી રીતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button