દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ નોટોનો વરસાદ થયો હતો. જેના પગલે હડકંપ મચી ગયો હતો
મામલો એટલો ગંભીર હતો કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમને દખલ કરવી પડી અને તે જજની તત્કાલ બદલી બીજી હાઇકોર્ટમાં કરવી પડી હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાનીવાળા કોલેજિયમે તત્કાલ આ નિર્ણય લેવો પડ્યો હતો

દિલ્હી હાઇકોર્ટના એક જજના ઘરમાં લાગેલી આગ બાદ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠ્યો હતો. આ ઘટનાથી ન્યાયિક વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. મામલો એટલો ગંભીર હતો કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમને દખલ કરવી પડી અને તે જજની તત્કાલ બદલી બીજી હાઇકોર્ટમાં કરવી પડી હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાનીવાળા કોલેજિયમે તત્કાલ આ નિર્ણય લેવો પડ્યો હતો. જે ઘરમાંથી નોટોનો વરસાદ થયો તે ઘર યશવંત વર્માનું હતું.
જે સમયે આગ લાગી તે સમયે હાઇકોર્ટના જજ યશવંત વર્મા શહેરની બહાર હતા. આગ લાગવાના કારણે તેમના પરિવાર દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આગ બુઝાવ્યા બાદ બચાવ દળ અંદર ગયું તો એક રૂમમાં નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો. તુરંત જ તેની માહિતી અધિકારીઓને આપવામાં આવી હતી. જેના પગલે જપ્તીનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ આ નાણા બેનામી હોવાનું લાગ્યું હતું.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર સ્થાનિક પોલીસે પોતાના સી
નિયર અધિકારીઓને ઘટના અંગે માહિતી આપી હતી. જોત જોતામાં સમાચાર સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગઇ હતી. તેમણે તત્કાલ તેની માહિતી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આપી હતી. મામલાની ગંભીરતાને જોતા સીજેઆઇ ખન્નાએ તત્કાલ કોલેજિયમની બેઠક બોલાવી હતી. કોલેજિયમે સર્વસમ્મતીથી જસ્ટિસ વર્માની બદલીનો નિર્ણય લીધો હતો. વર્માને તેમની મુળ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટ ખાતે ટ્રાન્સફર કરી દેવાયા હતા. તેઓ ઓક્ટોબર 2021 માં અલ્હાબાદથી દિલ્હી હાઇકોર્ટ આવ્યા હતા.
જો કે પાંચ જજોના કોલેજિયમના કેટલાક સભ્યોનું માનવું હતું કે, આટલી ગંભીર ઘટનામાં માત્ર બદલી કરી શકાય નહી. ન્યાયપાલિકાની છબીને ખરાબ કરવાની સાથે સંસ્થાની શાખ પર લોકોનો વિશ્વાસ ઘટાડશે. જસ્ટિસ વર્માનું રાજીનામું લઇ લેવું જોઇએ. જો તેઓ રાજીનામું નથી આપતા તો સંસદમાંથી તેમને હટાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ. આ ઉપરાંત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આંતરીક તપાસ માટેના આદેશો પણ આપવા જોઇએ.
સુપ્રીમ કોર્ટે 1999 માં ભ્રષ્ટાચાર, કદાચાર અથવા સંવૈધાનિક કોર્ટના જજો વિરુદ્ધ કોઇ પણ પ્રકારના ગોટાળાના આરોપના ઉકેલ માટે આંતરિક પ્રક્રિયા તૈયાર કરી હતી. જેના અંતર્ગત સીજેઆઇ ફરિયાદ મળ્યા બાદ જજ પાસે જવાબ માંગે છે. જો સીજેઆઇ જજના જવાબથી સંતુષ્ટ ન થાય તો તેઓ આંતરિક તપાસ માટે એક કમિટીની રચના પણ કરી શકે છે. આ કમિટીમાં એક સુપ્રીમ અને બે હાઇકોર્ટના જજ હોય છે.