સ્ટેન્ડઅપ કોમેડિયન પોતાના વિધાનોમાં મકકમ : મારા વાણી સ્વાતંત્ર્યને થોડા શક્તિશાળી લોકો છીનવી શકે નહી : ટોળાથી પણ ડરતો નથી ,
મુંબઈ પોલીસના સમન્સ સામે હાલ ખુદ તામિલનાડુમાં હોવાનું જણાવી શિવસેનાને પડકાર કર્યો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહીને વિવાદ છેડનાર સ્ટેન્ડઅપ કોમેડિયન કુનાલ કામરાએ માફી માંગવાનો ઈન્કાર કરીને તેમના પર હુમલાની શિવસેનાની ધમકીને પણ ઘોળીને પી જવાનો પડકાર કરતા કહ્યું કે હું પલંગ હેઠળ સંતાઈ જનાર નથી અને ટોળાથી પણ ડરતો નથી.
મહારાષ્ટ્રમાં આ મુદે હવે રાજકારણ શરૂ થયુ છે. ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કુનાલ કામરાના વિધાનોને ફગાવીને એકનાથ શિંદેની માફી માંગી લે તેવી સલાહ આપી છે તો બીજી તરફ શિવસૈનિકોના તોફાનોની પણ ઝાટકણી કાઢી કોઈને કાયદો હાથમાં લેવાની મંજુર નથી તેવું કડક વલણ અપનાવ્યુ છે.
બીજી તરફ સ્ટેન્ડઅપ કોમેડિયને સોશ્યલ મીડીયા મારફત વિડીયો મેસેજ શેર કર્યા છે. જયાં તેણે પોતાના વિધાનો બદલ માફી માંગવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું કે હું લેવાથી ડરતો નથી. તેણે એવો દાવો કર્યો કે અભિવ્યક્તિની જે આઝાદી છે તેને થોડા ધનિકો કે શક્તિશાળી લોકો હાઈજેક કરી શકે નહી.
કોઈ શક્તિશાળી વ્યક્તિ સામે રમુજ કે જોકને તમો સમજી શકો નહી તો તેનાથી મારો હકક છીનવાતો નથી. જયાં સુધી હું જાણુ છું. મારા વિધાનો કોઈ કાનુની મજાક નથી પણ આપણી સીસ્ટમ એક સરકાર જેવી બની ગઈ છે.
બીજી તરફ વિવાદીત વિધાનો મુજબ કુનાલ કામરા સામે નોંધાયેલી એફઆઈઆર સંદર્ભમાં ખાર પોલીસે આજે સવારે 11 વાગ્યે રજુ થવા આદેશ આપ્યો હતો. જેથી તેનું નિવેદન નોંધી શકે પણ કોમેડિયન હાલ તામિલનાડુમાં છે તેવા રિપોર્ટ છે. એક વાતચીતમાં તેણે જ પોતે તામિલનાડુમાં હોવાનું જણાવીને સૈનિકને ત્યાં પહોંચી જવા પડકાર ફેંકયો હતો.
સ્ટેન્ડઅપ કોમેડિયન કુનાલ કામરાનના વિવાદાસ્પદ નિવેદન પર પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે દરેકને વાણી સ્વાતંત્ર્ય છે પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતાને અમે સમજી શકીએ છીએ. વ્યંગને પણ સમજીએ છીએ. આ કોઈ વિરુદ્ધ બોલવાની સોપારી લેવા જેવું છે.
તેમણે આમ કહીને કુણાલ કામરાનના કટાક્ષને રાજકારણ સાથે જોડી દીધુ હતું. તેણે કહ્યું કે આ જ વ્યક્તિએ દેશની સર્વોચ્ચ અદાલત, વડાપ્રધાન અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પણ ટિપ્પણી કરી છે તે કોના ઈશારે કામ કરે છે તે મહત્વનું છે.
તેમણે એ પણ કહ્યું કે, આ ટિપ્પણીના વિરોધમાં કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડીયોમાં કરવામાં આવેલી તોડફોડને હું સમર્થન આપતો નથી પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે તે સમજવું જોઈએ.