થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક ,
બંને દેશો વચ્ચેના તનાવભર્યા સંબંધોમાં રાહત સંભવ : બાંગ્લાદેશની વિનંતી પરથી મુલાકાત ગોઠવાઇ : ખુદ યુનુસે તસ્વીર જારી કરી

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ત્યાં સુધી કે, સીમા પર ઘુસણખોરોની હરકત પણ વધવા લાગી છે. વળી, આ દરમિયાન મોહમ્મદ યુનુસ સામે પણ દેશની અંદરથી અવાજ ઊભા થઈ રહ્યા છે. લોકો જલ્દી બાંગ્લાદેશમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે.
મોહમ્મદ યુનુસ છેલ્લાં ઘણાં દિવસોથી પ્રયાસ કરી રહ્યા હતાં કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થાય. મોહમ્મદ યુનુસ તરફથી કરવામાં આવેલા આગ્રહ પર બિમ્સટેક સંમેલન દરમિયાન મુલાકાત નક્કી કરવામાં આવી. આ પહેલાં રાત્રિભોજનમાં બંને નેતાઓ એક-બીજાથી અલગ બેઠેલા જોવા મળ્યા હતાં.
બિમ્સટેક સંમેલન દરમિયાન થાઇલેન્ડના વડાપ્રધાન પેતોંગતાર્ન શિવનાત્રાએ બુધવારે રાત્રે એક ભોજની મેજબાની કરી હતી. આ ભોજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ એકસાથે બેઠેલા જોવા મળ્યા. યુનુસે કાર્યાલયની અમુક તસવીર શેર કરી, જેમાં ચાઓ ફ્રાયા નદીના તટે સ્થિત હોટેલ ‘શાંગરી-લા’માં તેઓ વડાપ્રધાન મોદીની પાસે બેઠેલા હતાં.
હવે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સાથે વાતચીત કરી શકે તેવી શક્યતા વધી ગઈ છે. ગત વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા પછી મોદી અને યુનુસ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
શેખ હસીનાની હકાલપટ્ટી અને દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે, એવામાં મોદીની યુનુસ સાથેની મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહી છે.
આ મુલાકાત યુનુસની હાલની ચીન યાત્રાની પૃષ્ઠભૂમિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, જ્યાં તેમણે ભારતના ઉત્તરપૂર્વીય વિસ્તાર વિશે અમુક ટિપ્પણી કરી હતી, જે ભારતને પસંદ નહોતી પડી.