રાજકીય પછડાટમાંથી બહાર આવવાના લક્ષ્ય સાથે ગુજરાતથી 64 વર્ષ બાદ અમદાવાદમાં બે દિવસ કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી – અધિવેશન
પક્ષ પ્રમુખ ખડગે, સોનિયા - પ્રિયંકા, રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી 3000 નેતાઓ હાજરી આપશે : રાજકીય સહિતના ઠરાવ પસાર થશે

દેશમાં છેલ્લા એકાદ દાયકાથી રાજકીય પછડાટનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા નવી કાયાપલટનાં ઈરાદા સાથે તૈયારી શરૂ કરી છે. ગુજરાતથી તેનો પ્રારંભ કરવા બે દિસવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક તથા અધિવેશન અમદાવાદમાં રાખ્યા છે.
આવતીકાલે કારોબારી તા.9 થી અધિવેશન યોજાશે. પક્ષ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી 3000 નેતાઓ ઉપસ્થિત રહેશે.
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધીજી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે.
ત્યારે તારીખ 8 અને 9 એપ્રિલએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું.
વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. તારીખ 8 એપ્રિલે 2025ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે 11:30 કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે.
ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાશ્રી સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ઉપસ્થીત રહેશે.
86માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.8 એપ્રિલના રોજ સાંજે 5 કલાકે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પ્રાર્થના સભામાં હાજર રહેશે.
તારીખ 8 એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તારીખ 9 એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે.
જેમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેશે. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વનું છે.
ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે. રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીએ ગુજરાત કોંગ્રેસ માટે ખુબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
બે દિવસના કાર્યક્રમ
તા.8.04.2025: સવારે 11:00 કલાકે
કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક (સીડબલ્યુસી) – સરદાર સ્મારક, શાહીબાગ
તા.8.04.2025: સાંજે 5:00 કલાકે
પ્રાર્થના સભા- સાબરમતી આશ્રમ ખાતે
તા.8.04.2025 સાંજે 7:45 કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ, સાબરમતીના તટે – રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર
તા.9.04.2025 સવારે 9:00 કલાકે
રાષ્ટ્રીય અધિવેશન- સાબરમતીના તટે, અમદાવાદ
ગુજરાતમાં અગાઉ યોજાયેલ ઐતિહાસિક અધિવેશનો
વર્ષ અધિવેશન અધ્યક્ષ સ્થાને
1902 અમદાવાદ સુરેન્દ્રનાથ બેનર્જી
1907 સુરત રાસ બિહારી ઘોષ
1921 અમદાવાદ હકીમ અજમલ ખાન
1938 હરીપુરા સુરત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
1961 ભાવનગર નીલમસંજીવ રેડ્ડી.