કંડલા 45.6 ડિગ્રી સાથે અગનગોળો બન્યુ ; અમદાવાદ, ગાંધીનગર, ડિસા, અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં પણ 43 ડિગ્રીને પાર ,
ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વધુ તાપમાન તા.14-4-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટયો છે.

એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે, ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વધ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ. 1892થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં આજે 133 વર્ષનું સૌથી વધુ 45.2 સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે.
ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વધુ તાપમાન તા.14-4-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટયો છે. ચિંતાજનક બાબત એ છે કે સામાન્ય રીતે એપ્રિલનું વધુ તાપમાન ત્રીજા-ચોથા સપ્તાહમાં નોંધાતું હોય છે તેના બદલે આ વખતે પહેલા,બીજા સપ્તાહમાં જ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયા છે.
રાજ્યના આજે સર્વાધિક તાપમાન કંડલામાં નોંધાયું છે જ્યારે અમરેલી (44.3) પોરબંદર (43.3) અને કંડલા (45.6) સે.સાથે ઈ.સ. 2019 પછી છ વર્ષનું સર્વાધિક તાપમાન આજે નોંધાયું છે.
આ પહેલા પણ આ માસનું ઉંચુ તાપમાનં નોંધાયું છે. સદીમાં એપ્રિલ માસમાં સૌથી વધુ તાપમાનના જે 10 વર્ષોની સત્તાવાર સૂચિ છે તેમાં આ શહેરો માટે ઈ.સ. 2025નો સમાવેશ થયો છે.
આ ઉપરાંત આજે અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા,સુરેન્દ્રનગર, જુનાગઢ, કેશોદમાં તાપમાનનો પારો ઉંચકાઈને 43 સે.ને પાર થયો હતો અને બળબળતી લૂ વર્ષાનો અનુભવ થયો હતો.
જ્યારે સુરત અને ભાવનગર કે જે દરિયાકાંઠે આવેલા હોય તાપમાન નીચુ રહે ત્યાં પણ પારો 41 સે.ને પાર થયો હતો. જ્યારે રાજ્યમાં બપોરે સૌથી ઓછુ તાપમાન જગપ્રસિધ્ધ યાત્રાધામ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકામાં 31.3 સે. નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજકોટ, ભૂજ, સુરેન્દ્રનગર, કંડલા અને અમદાવાદમાં સમગ્ર દેશનું સર્વાધિત તાપમાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે અને હજુ એપ્રિલના ત્રણ સપ્તાહ અને મે માસ બાકી છે.
દરમ્યાન ભાવનગર શહેર અને જિલ્લામાં સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. મહત્તમ તાપમાન વધીને 42.2 ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. ગરમી નો પારો એક ડીગ્રી વધીને આજે 42.2 ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે ગરમ લુને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
આજે લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 21 ટકા રહેવા પામ્યું હતું .પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસતા હતા. જયારે જામનગર શહેરમાં એપ્રિલ માસના પ્રારંભથી જ ઉનાળાએ તેનો પ્રભાવ બતાવતાં શહેરીજનો ગરમીને કારણે ત્રસ્ત થાય છે.
ત્યારે મહતમ તાપમાનનો પારો 39.5 ડિગ્રી પહોંચી ગયું હતું.અને લઘુતમ તાપમાન 23.5 ડિગ્રી રહ્યું છે.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 7.3 કિમી નોંધાઇ છે.