113 વર્ષ પહેલાંની એ ઘટના જેને આજ સુધીની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના કહેવામાં આવે છે તેવા ટાઈટેનિક જહાજ દુર્ઘટનામાં લગભગ 1500 લોકોએ જીવ ગુમાવ્યા હતા
14 એપ્રિલ 1912ની રાત્રે ટાઇટેનિક એક હિમશિલા સાથે અથડાયું. આના કારણે જહાજમાં મોટી તિરાડો પડી ગઈ અને અંદર પાણી ભરાવા લાગ્યું
113 વર્ષ પહેલાંની તે ઐતિહાસિક અને ગોઝારી દુર્ઘટના જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. તેને સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના માનવામાં આવે છે. 15 એપ્રિલ 1912ના રોજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક હિમશિલા સાથે અથડાયા પછી ટાઇટેનિક જહાજ ડૂબી ગયું હતું. આ ઘટના ઘટી તે સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. આ અકસ્માતમાં 1500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ટાઇટેનિકે 10 એપ્રિલ 1912 ના રોજ સાઉથમ્પ્ટનથી ન્યૂ યોર્ક સુધીની તેની પ્રથમ સફર શરૂ કરી હતી.
14 એપ્રિલ 1912ની રાત્રે ટાઇટેનિક એક હિમશિલા સાથે અથડાયું. આના કારણે જહાજમાં મોટી તિરાડો પડી ગઈ અને અંદર પાણી ભરાવા લાગ્યું. જે પછી લગભગ 2 કલાક અને 40 મિનિટ પછી 15 એપ્રિલ 1912ના રોજ સવારે 2:20 વાગ્યે ટાઇટેનિક સંપૂર્ણપણે ડૂબી ગયું. આજે 15 એપ્રિલ 2025 ના રોજ ટાઈટેનિકની 113મી વરસી છે.
ટાઇટેનિકની 113 મી વરસી પર આ દુર્ઘટનામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો તેમને યાદ કરવામાં આવે છે. આ દુર્ઘટના માત્ર એક મોટી દરિયાઈ દુર્ઘટના જ નહોતી પરંતુ તેના કારણે જહાજ મેન્યુફેક્ચરિંગ અને સેફટીના નિયમોમાં પણ મોટા ફેરફારો થયા હતા. આ દિવસની યાદમાં આ દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ સ્મારકો પર ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ જહાજ આયર્લેન્ડના બેલફાસ્ટની હાર્લેન્ડ અને વુલ્ફ નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેની લંબાઈ 269મીટર, પહોળાઈ 28 મીટર અને ઊંચાઈ 53 મીટર હતી. જહાજમાં ત્રણ એન્જિન હતા. તેના એન્જિનમાં 600 ટન સુધી કોલસો વપરાતો હતો. તે સમયે તેને બનાવવાનો ખર્ચ 15 લાખ પાઉન્ડ હતો અને તેને પૂરું થવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. આ જહાજમાં એકસાથે ૩૩૦૦ લોકો સવારી કરી શકતા હતા.
માહિતી અનુસાર જ્યારે તે પહેલીવાર પોતાની યાત્રા પર નીકળ્યું ત્યારે જહાજમાં 1300 મુસાફરો અને 900 ક્રૂ મેમ્બર હતા. તે સમયે તેની ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત 30 પાઉન્ડ, સેકન્ડ ક્લાસની 13 પાઉન્ડ અને થર્ડ ક્લાસની 7 પાઉન્ડ હતી.
ટાઇટેનિક જહાજને ‘અજેય’ માનવામાં આવતું હતું. પરંતુ વિશ્વનું સૌથી મોટું બ્રિટિશ જહાજ ટાઇટેનિક 14 એપ્રિલના રોજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. તે સ્ટીમ એન્જિનવાળું જહાજ હતું. તેના ડૂબવાથી આશરે 1517 લોકોના મૃત્યુ થયા હતા જે સૌથી મોટી દરિયાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. તેના વિશે એવું કહેવામાં આવતું હતું કે આ જહાજ ક્યારેય ડૂબશે નહીં પરંતુ ઇતિહાસ અને હકીકત આપણે સૌ જાણીએ છીએ.
ટાઇટેનિક જહાજનો કાટમાળ 1985માં એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્રની સપાટીથી 2600 ફૂટ નીચે મળી આવ્યો હતો. આ કામ અમેરિકા અને ફ્રાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં યુએસ નેવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જે જગ્યાએ કાટમાળ મળ્યો તે કેનેડામાં સેન્ટ જોન્સથી 700 કિલોમીટર દક્ષિણમાં અને યુએસમાં હેલિફેક્સથી 595 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં છે. ટાઇટેનિક બે ટુકડામાં મળી આવ્યું હતું. અને બંને એકબીજાથી 800 મીટર દૂર હતા. આ દુર્ઘટના ઘણી વાર્તાઓ અને ફિલ્મોનું કેન્દ્ર રહ્યું છે. તેના વિશે આજે પણ અટકળો ચાલી રહી છે અને આજે પણ આ જહાજનો ઘણો કાટમાળ સમુદ્રના ઊંડાણમાં પડેલો છે. અમેરિકન કંપની ઓશને ટાઇટેનિક ટુરિઝમ શરૂ કર્યું છે. જો કે તે જોવા ગયેલી સબમરીન ડૂબી જતાં પાંચ લોકોના મૃત્યુ પણ થયા હતા.



