ગુજરાત

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ ; સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે. સંગઠનને મજબૂત બનાવવાના પાયલટ પ્રોજેકટનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવશે

સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાયલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે. સંગઠનને મજબૂત બનાવવાના પાયલટ પ્રોજેકટનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવશે. રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના થયા હતા. મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લીના નેતા- કાર્યકરો સાથે બેઠક કરશે. નેતા- કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.

સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાયલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ ગઈકાલે રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠકો કરી હતી, જેમાં જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે. નિરીક્ષકોએ જિલ્લા અને શહેર અધ્યક્ષ માટે 5 નામની પેનલ બનાવવાની રહેશે. નિરીક્ષકોએ તેમને સોંપેલા સમગ્ર જિલ્લા કે શહેરનો પ્રવાસ કરવાનો રહેશે. નિરીક્ષકો જ્યારે જાય ત્યારે 3-3 દિવસ રોકાવાનું રહેશે. જિલ્લા કે શહેરમાં કોણ સૌથી વધારે સક્ષમ છે તે જાણવાનું રહેશે. પ્રવાસ દરમિયાન માત્ર નેતાને નહીં કાર્યકરો અને સામાન્ય જનતાને પણ મળવાનું રહેશે.

પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સંસદ સભ્યો, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા પણ નિરીક્ષક તરીકે જશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે. ગ્રાઉન્ડ લેવલથી પક્ષને ફરી બેઠો કરવામાં આવશે.

હવે કોંગ્રેસના જિલ્લા- શહેર પ્રમુખ બનવું અઘરૂ પડશે. જિલ્લા- શહેર પ્રમુખ બનવા રાહુલ ગાંધીના ઈન્ટરવ્યૂમાં પાસ થવું પડશે. રાહુલે નિરીક્ષકોના રિપોર્ટના વેરિફિકેશન માટે બે ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે. જિલ્લા- શહેર અધ્યક્ષની પસંદગી માટે નિરીક્ષકો ઉપરાંત ખાનગી એજન્સી સર્વે કરશે. એક ગુજરાતની અને એક ગુજરાત બહારની એજન્સીને કામગીરી સોંપાઇ છે. નિરીક્ષકો અને એજન્સીના રિપોર્ટ બાદ જિલ્લા- શહેર અધ્યક્ષની પેનલ તૈયાર થશે. પેનલમાં જેમના નામ આવશે તેમનું રાહુલ ગાંધી ઇન્ટરવ્યૂ લેશે. ઈન્ટરવ્યુમાં પાસ થનારને જિલ્લા- શહેર કે પ્રદેશમાં સ્થાન મળશે. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી કે, આપણે ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરો અંદર કરશો નહીં.

નિરીક્ષકોને જિલ્લા-શહેરમાં કાર્યકરો અને જનતાને સાંભળવા આદેશ કરાયો છે. સામાન્ય જનતા અને કાર્યકરોને પસંદગીને પ્રાધાન્ય આપી પ્રમુખનું નામ નક્કી કરાશે. માત્ર પુરૂષો જ નહીં સક્ષમ મહિલાઓને શોધીને અધ્યક્ષ બનાવવા સૂચના અપાઇ હતી. ગુજરાતના ઓછામાં ઓછા 5 જિલ્લામાં મહિલા પ્રમુખ પસંદ કરવા સૂચના અપાઇ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button