રાજકોટ મહાનગરમાં સીટી બસે સર્જેલા અકસ્માતે ફરી એક વખત મહાપાલિકાની બેદરકારી-ગેરવહીવટ તથા ભ્રષ્ટાચાર તથા કમાન્ડ કંટ્રોલ વગરના શાસનની પોલ ખોલી છે
શાસક ભાજપ પણ ખુદ તેના જ કોર્પોરેટરો દુર્ઘટના સમયે ફરકતા નથી: અધિકારીઓ પર નિયંત્રણ નહી: કરૂણાંતિકામાંથી બોધપાઠ લેવાયો નથી

રાજકોટ મહાનગરમાં ગઈકાલે સીટી બસે સર્જેલા અકસ્માતે ફરી એક વખત મહાપાલિકાની બેદરકારી-ગેરવહીવટ તથા ભ્રષ્ટાચાર તથા કમાન્ડ કંટ્રોલ વગરના શાસનની પોલ ખોલી છે અને ગઈકાલની ઘટના પ્રથમ નથી અને અંતિમ પણ નહી હોય તેની સૌને ખાતરી છે. વાસ્તવમાં ગઈકાલની ઘટનામાં પોલીસની ટ્રાફીક પ્રત્યેની ઉદાસીન નીતિ પણ જવાબદાર છે અને સતત વ્યસ્ત થઈ રહેલા રાજકોટમાં હવે નેતૃત્વનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મહાપાલિકાના શાસનમાં ભાજપને 68 બેઠકોની તોતીંગ બહુમતી હોવા છતા પણ અને ત્રિપલ એન્જીન જેવી રાજય અને દેશની સરકાર હોવા છતા પણ અહી ઘણીચોરી જેવી સ્થિતિ બની રહી છે અને હવે તેના પડઘા ભાજપમાં પણ પડી રહ્યા છે. રાજકોટ મહાપાલિકાના છેલ્લા 1 વર્ષથી ઓછા સમયનો અકસ્માતના ઈતિહાસ તપાસો તો 40 જેટલા લોકો અલગ અલગ કારણે કમોત મેળવ્યા છે પણ ટીઆરપી કાંડ તેમાં શિમશોર છે જેમાં 27 બાળકો સહિતના જીવતા ભુંજાઈ જવાના કારણે મૃત્યુ થયા હતા.
જેમાં મહાપાલિકામાં ટોચથી તળીયે ચાલતો ભ્રષ્ટાચાર-ગેરવહીવટ તથા જવાબદારી વગરની સ્થિતિ જોવા મળી હતી પણ એક પણ ટોચના અધિકારીઓ કે પદાધિકારીઓના વાળ પણ વાંકો થયો નથી. સરકારે પણ હવે તેની સંવેદનશીલતા રૂપિયામાંજ દર્શાવવામાં નકકી કર્યુ હોય તેમ થોડા લાખની સહાય અને સંવેદનાના એક બે ટવીટ કરીને પોતાની ફરજ પુરી કરે છે.
મહાનગર કક્ષાના વહીવટમાં રોડના ખાડામાં લોકો દુર્ઘટનાનો ભોગ બને નહી તેવી આડશો પણ મુકાતી નથી અને તેથીજ રૈયા ટેલીફોન એકસચેંજ પાસે મહાપાલિકાએ ખોદેલા ખાડામાં એક યુવાન ગબડી પડતા મૃત્યુ પામ્યા તો બીજી તરફ ચોમાસામાં માર્ગ પર આવી ભરાવાની સમસ્યા અને અકસ્માત સર્જવાની પરંપરા ચાલુ રહી છે અને રોશની શાખાની બેદરકારીથી માર્ગ પર પડેલા વાયરના કરન્ટથી એક આશાસ્પદ યુવતીનું મૃત્યુ થયું છતાં પણ જવાબદારી કોઈની નિશ્ચિત થઈ નથી અને હાલમાં જ રાજકોટના પોશ વિસ્તારના બહુમાળી ઈમારત એટલાન્ટીસમાં લાગેલી આગે ફાયર એનઓસીની પોલ ખોલી નાખી ત્રણ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો પણ તેને એક માસથી વધુ સમય થયો છતા પણ હજુ નથી.
મહાપાલિકામાં કોઈની જવાબદારી નિશ્ચિત થઈ નહી બિલ્ડીંગના એસોસીએશન કે બિલ્ડરની જવાબદારી નકકી થઈ. થોડા લાખ રૂપિયા ફેંકીને ગરીબોના મોઢા બંધ કરી દેવાયા અને હવે જે રાજકીય પ્રભાવ છે તેથી આ પ્રકરણ પણ આગળ વધશે નહી. ફાયર એનઓસી તો ટીઆરપી કાંડથી ગાજે છે પણ તેમાં કોઈ ગંભીરતાથી આગળ વધતુ નથી તો ગઈકાલની ઘટનામાં જે રીતે મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ અને લાગતા-વળગતાને કોન્ટ્રાકટ આપી કમાવ-કમાવી દોની નીતિ અપનાવાઈ છે તેનો પણ પર્દાફાશ થયો છે.
સીટી બસ જે પુરા શહેરમાં માતેલા સાંઢની જેમ દોડે છે તે અવારનવાર અકસ્માત સર્જે છે પણ તેમાં કોન્ટ્રાકટરની રાજકીય ભાગીદારીથી સલામત રહે છે. બસમાં પ્રવાસ કરતા અને માર્ગો પર જતા લોકોની સલામતીના પ્રશ્ર્ન હોય તે સમયે જેનુ ડ્રાઈવીંગ લાયસન્સ પણ મુદત પુરુ થયુ હોય તેમ છતાં એજન્સીને તે જાણ ન હોય તે કોઈ સ્વીકારી શકે નહી પણ મોનેટરીંગની કોઈ વ્યવસ્થા જ નથી કે આ પ્રકારે કોઈ ક્ષતિ પકડાઈ શકે અને વધુ ચાર લોકોનો ભોગ લેવાયો, આ સ્થિતિનો કોઈ અંત જ નથી.
રાજકોટ મહાપાલિકામાં જે પદાધિકારીઓ બેસે છે તેઓ વચ્ચે પણ કોઈ એકસૂત્રતાથી બાંધી તેવા નેતા નથી. મહાપાલિકાના ભાજપના 68 કોર્પોરેટરોમાં માંડ 8-10 સક્રીય છે. ગઈકાલની ઘટનામાં સ્થાનિક એક કોર્પોરેટર નજરે ચડયા બાકીના તમામે એસી ઓફિસમાં બેસી રહેવાનું પસંદ કર્યુ. ધારાસભ્યોમાં પણ કોણ દેખાયું તે પ્રશ્ર્ન છે. મહાપાલિકામાં જે રીતે ‘વન મેન શો’ છે અને તે એક જ વ્યક્તિના રાજકીય પીઠબળથી પુરા રાજકોટનો વહીવટ કરે છે તેનાથી અન્ય તમામને રસ ઉઠી ગયો છે અને તેનાથી અધિકારીઓ પર કોઈ અંકુશ કે મોનેટરીંગ રહ્યું નથી. કાર પર સાયરન માટે પણ લડી લેતા આ મહાનુભાવો પ્રજાના માટે લડવા તૈયાર નથી અને તેથી મહાપાલિકાના માથે એક બાદ બીજી કાળી ટીલી લાગતી રહે છે.
રાજકોટ: રાજકોટમાં 68 બેઠકોની તોતીંગ બહુમતી છતા પણ જે રીતે મહાપાલિકાનો ‘વહીવટ’ એક વ્યક્તિ અને તેના રાજકીય ગોડફાધર બનેલા નેતાની કૃપાથી ચાલે છે તે મુદે પક્ષના મોવડીમંડળનું ધ્યાન પણ દોરાયુ હતુ પણ ભાગ્યે જ કોઈ પગલા લેવાયા નથી. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષના કાર્યક્રમમાં તો કોર્પોરેટરો દેખાતા નથી પણ મહાપાલિકામાં પણ લોકોના કામ માટે કે તેના વોર્ડમાં પણ તેમને શોધતા રહેવું પડે છે અને આ અંગે પુર્વ પ્રમુખથી છેક સંગઠન મહામંત્રી સુધીના તમામે કોર્પોરેટરોને લોકોની વચ્ચે રહેવા તાકીદ કરી પણ તેની કોઈ અસર જોવા મળી નથી.
હવે છ માસથી થોડા સમયમાં જ ચુંટણી છે તેથી અર્ધાને પોતાને ટિકીટ નહી મળે તેની ખાતરી હોવાથી સક્રીય રહ્યા નથી તો બાકીના ગમે તેમ ટિકીટ મળશે તેવા વિશ્ર્વાસમાં છે અને તેથી હવે કોર્પોરેશનમાં પ્રજાકીય શાસન જેવી સ્થિતિ રહી જ નથી. પક્ષના હાલના જ આંબેડકર જયંતિના કાર્યક્રમમાં પણ માંડ 20 કોર્પોરેટરો કાર્યક્રમમાં આવ્યા હોવાનું પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું તો વોર્ડના કાર્યક્રમોમાં પણ હવે ભાગ્યે જ તેઓ હાજર રહે છે.