હવામાન વિભાગે ગુરુવારે દેશના 25 રાજ્યોમાં હીટવેવ માટે યલો એલર્ટ જારી કર્યું છે ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થવાની સંભાવના છે
દેશમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે અને લૂની અસર જોવા મળી રહી છે. જયારે ફરી એકવાર હવામાનમાં પલટાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશમાં તાપમાન વધી રહ્યું છે, એપ્રિલના અંતમાં, મે-જૂનની ગરમી જેવી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગુરુવારે દેશના 25 રાજ્યોમાં હીટવેવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ફક્ત લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીથી થોડી રાહત મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત તમામ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ત્યારે આગામી દિવસોમાં ફરી એકવાર હવામાનમાં પલટો થવાનો સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગના અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં હીટવેવ રહેશે. આ પછી, હવામાનમાં ફેરફાર થશે. 26-29 એપ્રિલ દરમિયાન, પૂર્વ ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે. જયારે બિહારમાં તોફાન અને છત્તીસગઢમાં કરા પડવાની શક્યતા છે. 26-28 એપ્રિલ દરમિયાન બિહારમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની શક્યતા છે. ઝારખંડમાં 27 અને 28 એપ્રિલના રોજ કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઝારખંડ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે શુક્રવારે હીટવેવ અંગે ચેતવણી જારી કરી છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં અલગ અલગ સ્થળોએ ગરમીનું મોજું ફરી શકે છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં 28 એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે. બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 26 એપ્રિલ સુધી તીવ્ર ગરમી રહેશે.
આ ઉપરાંત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 દિવસ દરમિયાન કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 24 થી 27 એપ્રિલ દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. 24-26 એપ્રિલ દરમિયાન નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં, 24 એપ્રિલે અરુણાચલ પ્રદેશમાં, 24 અને 26 એપ્રિલે આસામ અને મેઘાલયમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, 27 અને 28 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે. 26 અને 27 એપ્રિલના રોજ સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને 26 એપ્રિલના રોજ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. 24-26 એપ્રિલ દરમિયાન પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી સાથે છૂટાછવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આગામી 5 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, રાજસ્થાનમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.