હુમલાની ઘટના બાદ ગણેશ જાડેજાને પાટીદાર આગેવાનનો વધુ એક પડકાર ; ગોંડલમાં બે નંબરનું શું ચાલે છે? તે પુરાવા સાથે જાહેર કરાશે: અલ્પેશ કથીરીયા ,
હવે ગાડીઓને નુકશાન કરવાનું દુર, પણ કોઈ કાર્યકરોનો કોલર પકડવાનો પ્રયાસ પણ કરી શકશે નહીં

તાજેતરમાં પાસના પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયા સહિતનાઓએ ગોંડલની લીધેલી મુલાકાત દરમિયાન તેઓનો ગણેશ જાડેજાના સમર્થકોએ વિરોધ કરાતા માહોલ ગરમાયો હતો અનેક ગાડીઓના કાચનો કચ્ચરઘાણ વળી જવા પામેલ હતો. પાટીદારો અને ગણેશ ગોંડલના સમર્થકો આમને સામને આવી જતા હુમલાની ઘટના ઘટી હતી.
જે બાદ સુરત ખાતે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાએ ગણેશ જાડેજાને લલકારી ગોંડલમાં બે નંબરનું શું ચાલે છે? તે પુરાવા સાથે જાહેર કરાશે તેવું નિવેદન આપી પડકાર ફેંકયો છે.
ગોંડલમાં હુમલાની ઘટના બાદ એક કાર્યક્રમમાં પાટીદાર સમાજે અલ્પેશ કથીરીયાનું સન્માન પણ કયુર્ં હતું. જોકે, આ પ્રવચનમાં તેણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, તેઓ હવે પૂર્વ રાજકીય પ્રહારો અને સમાજમાં ચાલી રહેલા આંતરિક વિવાદોને પડકાર તરીકે સ્વીકારી મજબૂત રણનીતિ સાથે આગળ વધશે. અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ગોળી ખાઈ લે પણ માની ગાળ કોઈ નહીં ખાય, હવે એ સમય ગયો છે કે, કોઈપણ આવી રીતે બોલી જાય અને જવાબ ન મળે. એવું નહીં થાય.
હવે અમે એ તૈયારીમાં છીએ કે ગાડી નુકશાન થવાનું તો દુરની વાત રહી, કોઈ કાર્યકર્તાના કોલર પકડવાની પણ કોશિશ નહિ થઈ શકે. ‘આ કાર્યક્રમમાં અલ્પેશ કથીરીયાએ વધુ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ‘ગોંડલમાં બે નંબરનું શું શું ચાલે છે, એ બધું પુરાવા સાથે જાહેર કરીશું’. આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ માત્ર રાજકીય પડકારનો નહિ, પરંતુ તેઓ ગેરકાયદે પ્રવૃતિઓના ખુલાસા કરવાની પણ તૈયારીમાં છે.