વડાપ્રધાન શાહબાઝ શરીફ ; પાકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ અને અન્ય સરકારી અધિકારીઓની સામે કબૂલાત કરી રહ્યા છે કે ભારતે નૂર ખાન એરબેઝ પર ચોક્કસ હુમલો કર્યો હતો.
વાયુસેનાએ આપણા દેશને બચાવવા માટે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર પ્લેન પર આધુનિક ગેજેટ્સ અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો.'

પાકિસ્તાને ઓપરેશન સિંદૂરની સફળતાને સ્વીકાર કરી લીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે સ્વીકાર કર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણા એરબેઝ નષ્ટ થઈ ગયા છે, ખાસ કરીને નૂરખાન એરબેઝ. પાકિસ્તાનની કબૂલાત હવે દુનિયા સામે છે. આ એ જ પાકિસ્તાન છે જે ગઈકાલ સુધી કહેતું હતું કે કંઈ થયું જ નથી અને પોતાના લોકોને મૂર્ખ બનાવીને જીતની ઉજવણી કરી રહ્યું હતું. હવે એ જ પાકિસ્તાન કહી રહ્યું છે કે નુકસાન થઈ ગયું છે.
શાહબાઝ શરીફનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના અન્ય લોકો સામે બોલી રહ્યા છે. આમાં, તેઓ કહે છે, ‘9 અને 10 તારીખની રાત્રે લગભગ 2.30 વાગ્યે, સિપાહસલ્હાર જનરલ મુનીરે મને સિક્યોર ફોન પર જણાવ્યું કે પ્રધાનમંત્રી સાહેબ, ભારતે હમણાં જ તેની બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે, જેમાંથી એક નૂરખાન એરબેઝ પર પડી છે અને કેટલીક અન્ય વિસ્તારોમાં પણ પડી છે… આપણી વાયુસેનાએ આપણા દેશને બચાવવા માટે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર પ્લેન પર આધુનિક ગેજેટ્સ અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો.’
જણાવી દઈએ કે નૂર ખાન એરબેઝ કોઈ સામાન્ય એરબેઝ નથી. આ પાકિસ્તાનના VVIP અને હાઈ લેવલ મિલિટરી એવિએશનનું સેન્ટર છે. ઇસ્લામાબાદની નજીક હોવાથી અને તેની બેવડી ભૂમિકાને કારણે આ એરબેઝ પાકિસ્તાનના સૌથી સંવેદનશીલ એરબેઝમાંનું એક છે. હુમલા પછી અત્યાર સુધી ઉપલબ્ધ તમામ સેટેલાઇટ તસવીરોથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભારતીય વાયુસેનાએ સંપૂર્ણ ચોકસાઈ સાથે હુમલો કર્યો હતો અને કોઈ પણ લક્ષ્ય ક્યાંય ચૂકી ગયું હોય તેવું લાગતું નથી. ઇસ્લામાબાદની નજીક સ્થિત નૂર ખાન એરબેઝ, પાકિસ્તાન એરફોર્સ (PAF) ના ઓપરેશન્સમાં મદદ કરે છે અને દેશના ટોચના VVIPs દ્વારા હવાઈ પરિવહન માટે પણ તેનો ઉપયોગ થાય છે.
પહેલગામ હુમલા પછી, ભારત અને પાકિસ્તાનની સેનાઓ સામસામે હતી અને ચાર દિવસના સંઘર્ષ પછી, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા. શરૂઆતમાં, અમેરિકાએ આ યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે 9-10 મેની રાત્રે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે વાત કરી અને યુદ્ધવિરામની અપીલ કરી. ત્યાં સુધીમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી દીધો હતો. એવામાં બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા.
9-10 મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન, પાકિસ્તાનને નૂરખાન એરબેઝ સહિત ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું અને પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતામાં ઘણો ઘટાડો થયો. જોકે, પાકિસ્તાનની એકંદર ક્ષમતા ભારત કરતા ઘણી ઓછી છે. પાકિસ્તાન પોતાના મોટાભાગના હથિયારો નૂરખાન એરબેઝમાં રાખે છે અને તેના વિનાશ પછી, પાકિસ્તાની સેનાના ઘણા મહત્ત્વપૂર્ણ લડાકુ વિમાનો ઉડી શક્યા નહીં. આ કારણોસર પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી.