ભારતીય શેરબજાર સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 213 પોઈન્ટ વધ્યો, તો નિફ્ટી 24,745 પર ખુલ્યો ,
નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSE ના ફાર્મા ઇન્ડેક્સમાં 1.51%, હેલ્થ કેરમાં 1.26% અને રિયલ્ટીમાં 1.08%ની તેજી આવી છે.

ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 213 પોઈન્ટના ઉછાળા સાથે 81,399.86 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 24,745.75 પર ખુલ્યો. આજે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી પર FII ની વેચાણ, ચોથા ક્વાર્ટરના કમાણી અને મિશ્ર વૈશ્વિક સંકેતોનો પ્રભાવ પડવાની શક્યતા છે. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, જાપાનમાં નિકાસ વૃદ્ધિ સતત બીજા મહિને ધીમી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા જંગી ટેરિફની અસર દેશ હજુ પણ અનુભવી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા, નેસ્લે અને HDFC બેંકના શેરમાં લગભગ 1% તેજી આવી છે. જ્યારે, ઇટરનલ (ઝોમેટો), અદાણી પોર્ટ્સના શેરમાં 1.2% સુધીનો ઘટાડો થયો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSE ના ફાર્મા ઇન્ડેક્સમાં 1.51%, હેલ્થ કેરમાં 1.26% અને રિયલ્ટીમાં 1.08%ની તેજી આવી છે. જ્યારે, આઇટી, મેટલ અને સરકારી બેંકિંગ ક્ષેત્રોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી લગભગ 40 પોઈન્ટ (0.10%) ઘટીને 37,500 પર છે. કોરિયાનો કોસ્પી લગભગ 30 પોઈન્ટ (1%) વધીને 2,625 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ 120 પોઈન્ટ (0.50%) વધીને 23,800 પર બંધ રહ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 13 પોઈન્ટ (0.40%) વધીને 3,393 પર ટ્રેડ થઈ રહ્યો છે. 20 મેના રોજ, યુએસ ડાઉ જોન્સ 115 પોઈન્ટ (0.27%) ઘટીને 42,677 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 73 પોઈન્ટ ઘટીને 19,143 પર અને S&P 500 23 પોઈન્ટ ઘટીને બંધ થયો.
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. બીએસઈ પર સેન્સેક્સ 872 પોઈન્ટ ઘટીને 81,186.44 પર બંધ થયો હતો, જયારે NSE પર નિફ્ટી 1.05 ટકાના ઘટાડા સાથે 24,683.90 પર બંધ થયો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 1.26 ટકા ઘટ્યો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.68 ટકા ઘટ્યો.
અમેરિકા અને ભારત વચ્ચે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ ઘટી રહ્યો છે. રોકાણકારો હવે વાટાઘાટો અંગે સ્પષ્ટતા ઇચ્છે છે. ખાસ કરીને ચીન અને યુકે દ્વારા વોશિંગ્ટન સાથે સફળતાપૂર્વક કરાર થયા પછી. મૂડીઝે અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કરવાથી પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના સોવરેન ક્રેડિટ રેટિંગને એક સ્તર ઘટાડીને AA1 કરી દીધું. રેટિંગ એજન્સીએ સતત રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના વધતા દેવાનો ઉલ્લેખ કર્યો.