117 વર્ષ જુના રજીસ્ટ્રેશન એકટમાં બદલાવની તૈયારી મિલ્કત સહિતના વેચાણ દસ્તાવેજોની નોંધણી ઓનલાઈન કરાશે ,
પાવર ઓફ એટર્ની - સેલ સર્ટી, ઈકવીટેબલ મોર્ગેજ વિ.ને પણ આવરી લેવાશે: આધારની ભૂમિકા વધશે

દેશમાં ડિજીટલ યુગમાં હવે ફકત નાણાકીય વ્યવહારો જ નહી પણ સરકારી-બિન સરકારી કામકાજોને પણ શકય તેટલું ‘પેપરલેસ’ બનાવવાની તૈયારી છે.
તેમાં હવે કેન્દ્ર સરકારે હવે મિલ્કતોના ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપરાંત એગ્રીમેન્ટ ઓફ સેલ વેચાણ કરાર પાવર ઓફ એટર્ની (કુલમુખત્યારનામા) વેચાણ પ્રમાણપત્ર અને મિલ્કતો કે અન્ય માટે જે ઈકવીટેબલ મોર્ટગેજની પ્રક્રિયા થાય છે તેને પણ ઓનલાઈન કરવા માટેનો ડ્રાફટ-કાનૂન તૈયાર કર્યા છે.
જે દેશના 117 વર્ષ જુના રજીસ્ટ્રેશન એકટનું સ્થાન લેશે. આ અંગે ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક ડ્રાફટ- કાનૂન જાહેર ચર્ચા માટે જારી કર્યા છે અને તેના આધારે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના કાનૂનમાં બદલાવ આવશે. રજીસ્ટ્રેશન એકટ દેશભરમાં લાગુ પડે છે તેથી રાજયોને પણ તેના પગલે પોતાના કાનૂન સુધારવાના રહેશે.
સરકાર આ ઉપરાંત ઈલેકટ્રોનીક રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અને તમામ રેકોર્ડને ડીજીટલ સાચવી શકાય તે પણ પ્રક્રિયા લાવવા જઈ રહી છે અને તેમાં રજીસ્ટ્રેશન માટે આ ડિજીટલ ડોકયુમેન્ટ પણ સાથે જોડી શકાશે અને તેમાં જે તે સંમતી માટે આધાર આધારીત ઓથેન્ટીફીકેશન સીસ્ટમ પણ દાખલ કરવામાં આવશે અને જયાં પોતાના યુનિક આઈડીને શેર કરવા માંગતા ન હોય તેઓને માટે અન્ય પદ્ધતિ પણ અપનાવાશે.
જેથી આ પ્રકારના રજીસ્ટ્રેશન કે નોંધણી વિ.ની પ્રક્રિયામાં ગેરરીતિ ટાળી શકાશે અથવા ઘટાડી શકાશે. આ ઉપરાંત વિવિધ એજન્સીઓ જે આ પ્રકારની પ્રક્રિયામાં જોડાઈ હોય તે પણ પોતાનો ડોકયુમેટ ડેટાબેઝ રાખશે. આ રેકોર્ડ કિપીંગ એજન્સીઓ મારફત જે તે સમયે દસ્તાવેજોનું કોલ વેરીફીકેશન પણ કરી શકાશે જેના કારણે પણ ગેરરીતિ પર લગામ આવશે.
હાલના સમયમાં હવે ડિજીટલ ડોકયુમેન્ટ એ સામાન્ય બની ગયા છે અને ટેકનોલોજીની પદ્ધતિ તેની સાથેના ચેડા-ફ્રોડ પણ અટકાવી શકાય છે અને તે દસ્તાવેજોનો આધાર બેઈઝ બનાવીને તેને વધુ સારી રીતે સાંચવી શકાય છે.
નવા દસ્તાવેજોની નોંધણી સમયે તેનો રેકોર્ડ સાથે ડિજીલન્સ-ફોરેન્સીક જેવી ચકાસણી પણ શકય બનશે અને તેનાથી બોગસ દસ્તાવેજોનું પ્રમાણ પણ ઘટી જશે.
આ પ્રકારની સ્થિતિમાં શંકાસ્પદ દસ્તાવેજોની નોંધણીનો પણ જે તે રજીસ્ટાર ઓથોરિટીને ઈન્કાર કરવાનો અધિકાર હશે અને શા માટે તે રજીસ્ટ્રેશન કરાશે નહી તેના તમામ કારણો પણ અપાશે.
જો કોઈ પ્રકારની નોંધણી જો ગેરરીતિ ફ્રોડના આધારે કે ભુલથી પણ કરવામાં આવી હોય તો તે રદ કરવાનો પણ સરકારને અધિકાર રહેશે. જેથી તે પ્રક્રિયા સુધારી શકાશે.