ગુજરાત

રાજકોટ ; વર્ધમાનનગરને અશાંતધારામાં સામેલ કરવા તૂર્તમાં રજુઆત ; વિધર્મી-પરપ્રાંતિયોને મકાન ન આપવા ના બોર્ડ-બેનર લાગ્યા ,

મકાન - ફલેટ ભાડે કે વેચાતા લેવા વિધર્મી હિલચાલ કરતાં હોવાના સંકેતોથી રહેવાસીઓનું તાબડતોડ પગલું : સમગ્ર વિસ્તારમાં 25-30 બેનર લગાવાયા-વધુ લગાવાશે

સામાજીક સંતુલન જાળવવા તથા કોઈ કોમી વિવાદ ઉભો ન થાય તેના ઉદ્દેશ સાથે લાગુ કરાયેલા અશાંતધારામાં શહેરનાં સંખ્યાબંધ વિસ્તારોને આવરી લેવાયા છે અને અનેક વિસ્તારો આ માટે માંગ કરી રહ્યા છે. તેવા સમયે શહેરનાં પોશ તથા વેપારી-સોની વિસ્તાર ગણાતા વર્ધમાનનગરમાં વિધર્મી કે પરપ્રાંતિઓને મકાન ભાડે કે વેચાતા ન આપવાની ચેતવણી સાથેના બોર્ડ-બેનરો લાગ્યા છે.

આ વિસ્તાર પર વિધર્મી કે રોજગાર માટે આવતા પરપ્રાંતિયો ખાસ કરીને બંગાળી કારીગરો પણ પગપેસારો કરી રહ્યાની ગંધ આવતા લોકોએ એસોસીએશન લેવલે બોર્ડ-બેનર માર્યા છે અને હવે સરકારમાં રૂબરૂ લેખીત રજુઆત કરવાની તૈયારી કરવામાં આવી છે.

વર્ધમાનનગર ઉપરાંત આસપાસનાં જયરાજ પ્લોટ-પ્રહલાદપ્લોટ જેવા વિસ્તારોનાં લોકો પણ આ ચળવળમાં જોડાય તેવા સંકેત છે.  દરરોજ કરોડો-અબજો રૂપિયાના વ્યવહાર-લેવડદેવડ ધરાવતા સોનીબજારને જ લાગુ અને અડીને આવેલા વર્ધમાનનગરમાં વસવાટ કરતાં વિધર્મી-પરપ્રાંતિયો પ્રયાસ કરી રહ્યાનાં સંકેતો ઉપસતા એલર્ટ બનેલા વિસ્તારનાં રહેવાસીઓએ તાબડતોબ બેઠક યોજીને બેનર-બોર્ડ મારવા તથા સરકારમાં રજુઆત કરવાનો નિર્ણય લીધો હતો.

સોનીબજાર લાગુ પડતી હોવાથી સમગ્ર વિસ્તારમાં સોની-જૈન જેવા સમુદાયની વસતી મોટી છે. જૈન દેરાસર-મંદિર જેવા ધાર્મિક સ્થાનો પણ છે. વિધર્મીઓના વસવાટથી અનેકવિધ સમસ્યા ઉભી થઈ શકવાની ભીતિ દર્શાવીને રહેવાસીઓએ આ કદમ ઉઠાવ્યુ છે. કિશોરભાઈ સોની નામના રહેવાસીએ કહ્યું કે ઘણાખરા લોકો સોનીબજારમાં જ ધંધો ધરાવે છે.

રાત્રે મહિલા બાળકો મુકત રીતે હરતા ફરતા હોય છે. આ વિસ્તારમાંથી પસાર થતા કેટલાંક તત્વો પણ વાંધાજનક ચીજો-કચરો ફેંકી જતા હોવાના કિસ્સા નોંધાયા હતા. આ સંજોગોમાં વિધર્મી કે પરપ્રાંતિયો વસવાટ કરે તો સમસ્યા વકરી શકે તેને ધ્યાને રાખીને એસોસીએશન લેવલે વિધર્મી કે પરપ્રાંતિયને પ્રોપર્ટીનું વેચાણકે ભાડે નહિં આપવાનું નકકી કરાયું છે.

આ ચળવળમાં સામેલ અન્ય એક રહેવાસીએ કહ્યું કે સમગ્ર વિસ્તારમાં 25-30 બેનર-બોર્ડ મારવામાં આવ્યા છે હજુ વધુ બેનરો લગાવાશે. પ્રોપર્ટી-ધારકોને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે. આવતા દિવસોમાં તંત્ર સમક્ષ લેખિત રજુઆત કરાશે.અશાંતધારો લાગુ કરવાની માંગ છે.

સોની વેપારીઓએ કહ્યું કે સોના-ચાંદીના દાગીના બનાવવા હજારો કારીગરો વસવાટ કરે છે. હાથીખાના, રામનાથપરા, જીલ્લા ગાર્ડન જેવા વિસ્તારોમાં મુખ્ય વસવાટ છે. વર્ધમાનગરને આ વિસ્તાર લાગુ પડે છે. સમૃદ્ધ થતો વર્ગ પ્રોપર્ટી માટે આ વિસ્તારમાં નજર દોડાવતો હોવાનું ધ્યાને આવતા રહેવાસીઓએ આ પગલુ ઉઠાવ્યું છે. આસપાસનાં અન્ય વિસ્તારોને પણ ચળવળમાં સામેલ કરાશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button